Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ખાડી દેશોમાં કોરોનાનો કેરઃ વિદેશી નાગરીકોથી પણ છેડો ફાડવા તૈયારીઃ ૮૦ લાખ ભારતીયોને અસર થશે

સાઉદી અરબ, કતાર, યુએઇ, કુવૈત, બહરીન, ઓમાન અને ઇરાકે પોતાના નાગરીકોને ટ્રેનીંગ આપવાનું શરૂ કર્યું

નવી દિલ્હીઃ આખી દુનિયાની જેમ ખાડી દેશોમાં કોરોના વાયરસ સતત પગપેસારો કરી રહ્યો છે. જેના કારણે આર્થીક નુકશાની નોંધાઇ છે. ખાડી દેશોમાંના ૭ દેશોમાંથી સૌથી વધુ મુશ્કેલી સાઉદ અરબને સહન કરવી પડી છે. અહિં ૩૯૦૪૮ દર્દીઓ છે અને ૨૪૬ મોત થયા છે. જયારે બીજા નંબરે કતાર છે. જયાં ૨૨૫૨૦ દર્દીઓ અને ૧૪ના મોત થયા છે. ત્રીજા નંબરે યુએઇ છે જયાં કુલ ૧૮૧૯૮ કેસ છે અને ૧૯૮ દર્દી કોરોનાથી મૃત્યુ પામ્યા છે. ચોથા નંબરે કુવૈત છે જયાં ૮૬૮૮ કેસ અને ૫૮ મોત થયા છે. પાંચમા નંબરે બહરીનમાં ૪૯૪૧ દર્દીઓ છે અને ૮ મોત  થયા છે. છઠ્ઠાનંબરે રહેલ ઓમાનમાં ૩૫૭૩ લોકો કોરોના સંક્રમીત છે અને ૧૭ના મૃત્યુ થયા છે. અંતિમ સાતમા નંબરે ઇરાક છે જયાં કુલ ૨૭૬૭ મામલાઓમાંથી ૧૦૯ દર્દીઓના મોત થયા છે.

જયારે ખાડી દેશોમાં મોતના મામલે સાઉદી અરબ, યુએઇ, ઇરાક, કુવૈત, ઓમાન, કતાર અને બેહરીન અનુક્રમે છે. મિડલ ઇસ્ટ ઇન્સ્ટીટયુટ મુજબ ભારતીયોની પહેલી પસંદ યુએઇ છે, ત્યારબાદ સાઉદી, કતાર, ઓમાન, કુવૈત અને બેહરીન છે. ભારતીયો અહિં મજુરી, ટેકસી, ડ્રાઇવીંગ, ડોકટર, હોમ સર્વીસ પ્રોવાઇડર, શોપીંગ મોલ્સમાં કામ કરે છે અને હોસ્પિટીલીટી સર્વીસ સાથે પણ જોડાયેલા છે.

ઓમાન, બહરીન અને કુવૈતમાં બે તૃતીયાંશ અને યુએઇમાં અડધો-અડધ વસ્તી વિદેશી છે. જયારે સાઉદી અરબમાં એક કરોડ વિદેશીઓના ઘર છે. આ આખા વિસ્તારમાં ૩૦ ટકા પાકિસ્તાન અને ભારતીયો છે.

ખાડી દેશોમાં ભારતીયોની સંખ્યાનો એ ઉપરથી ખ્યાલ આવે કે જયારે ભારત સરકારે પરત આવવા વેબસાઇટમાં રજીસ્ટ્રેશન શરૂ કર્યું ત્યારે સીવીલ એવીએશનની સાઇટ ક્રેશ થઇ ગયેલ. હવાઇ માર્ગે ૧૫ હજાર અને સમુદ્રી માર્ગે લગભગ ૨ લાખ લોકોએ  સ્વદેશ  આવવા પોતાનું રજીસ્ટ્રેશન કરાવેલ. એક અનુમાન મુજબ ૨૦૧૮માં ભારતીયોએ  ખાડી દેશોમાંથી ૭૮ બીલીયન ડોલર ભારતમાં ટ્રાન્સફર કર્યા હતા. અહિ વસતા ૩ કરોડ વિદેશીઓમાંથી ૮૦ લાખ ભારતીયો છે. આ ભારતીયોને દેશમાં નોકરીઓ ઉપલબ્ધ ન કરાવી શકાય તેમ જાણકારો માને છે.

કોરોના વાયરસના વધતા પ્રકોપ વચ્ચે ખાડી દેશોમાંથી વિદેશી મજુરોને દેશ બહાર કરવાની ચર્ચાએ જોર પકડયું છે. ખાડી દેશો પોતાની  આર્થીક વ્યવસ્થા ફકત તેલ ઉપર કેન્દ્રીત ન કરી અન્ય તરફ પણ નજર દોડાવી રહયા છે. અને અન્ય વિકલ્પો શોધવા તરફ લાગ્યા છે. એટલુ જ નહિ પણ વિદેશી મજુરોથી પણ આ દેશો પોતાને દુર કરવા માંગે છે. પોતાના નાગરીકોને પણ તેઓ આ માટે તૈયાર કરી રહયા છે. ખાડી દેશો આ માટે પોતાના નાગરીકોને ટ્રેનીંગ પણ આપવાનું શરૂ કર્યું છે.

(3:57 pm IST)