Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ગુરૂવારથી રાજકોટમાં ઉદ્યોગો ધમધમશે

પોણા બે મહિનાના લોકડાઉન બાદ આખરે સરકારની મંજુરીઃ ઉદ્યોગકારે કલેકટરની મંજુરી લેવી પડશે : શહેરી ક્ષેત્રમાં ક્રમશઃ જનજીવન થાળે પાડવા સરકારના પ્રયાસોઃ ઉદ્યોગ ગૃહોએ શરતોનું પાલન કરવું પડશે

ગાંધીનગર તા. ૧રઃ રાજયના મુખ્ય મંત્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે રાજયની આજની તાજી પરિસ્થિતિ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં નવા કોઇ કેશો નહિં હોવાથી આગામી ગુરૂવારથી ઔદ્યોગિક એકમો ચાલુ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. જિલ્લા કલેકટર પાસે મંજુરી લેવાની રહેશે. ઔદ્યોગિક એકમમાં આવતા શ્રમિકોની ચકાસણી થશે. લંચ સમયે સમયાંતરે રીસેસ આપવામાં આવશે.

 

સમગ્ર દેશમાં એકબીજા રાજયમાં અવર જવર માટે કુલ પ૪ર ટ્રેનો દોડાવવામાં આવી છે. જેમાં ગુજરાત સરકારે સૌથી વધારે ર૩પ ટ્રેનો દોડાવી ર.૮૦ હજાર પરપ્રાંતિયોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. રાજય સરકાર કોઇ પણ શ્રમિકો વ્યકિતને પોતાના વતનમાં જવાનું હશે તેને પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને હજુ પણ આ સુવિધા ચાલુ છે.

 

આજે કુલ ૩૧ ટ્રેનો ગુજરાતમાંથી રવાના થશે. જેમાં વિશેષ કરીને યુ.પી., ઝારખંડ, બિહાર વગેરેનો સમાવેશ થાય છે. આ રાજયોની મોટા ભાગના શ્રમિકો અહીંયા હતા.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે જુનાગઢ, જામનગર અને ૧પ૬ જેટલી નગરપાલિકા વિસ્તારમાં જનજીવન ધીમે ધીમે રાબેતા મુજબ ચાલુ રહે તેવી સ્થિતિ સારી છે. તેવી પરિસ્થિતિથી વડાપ્રધાનને વાકેફ કર્યા છે.

મુખ્યમંત્રીએ વડાપ્રધાનને કરેલ અહેવાલ મુજબ જયા કેસોની સંખ્યા ઓછી છે ત્યાં વેપાર ધંધા ચોક્કસ નીતિ દ્વારા શરૂ કરવામાં આવે તેવી લાગણી વ્યકત કરી હતી.

મુખ્યમંત્રીએ સમગ્ર ગુજરાતના કલેકટરો, પોલીસ કમિશનરો સાથે વાતચીત કરી હવે પછીની પરિસ્થિતિ અંગે ચર્ચા પરામર્શ કરી સુચનો અને વિસ્તૃત વિગતો મેળવી છે.

આ ઉપરાંત વૃદ્ધ, નાના બાળકો સુધી આ કોરોના ન પહોંચે તે માટે જરૂરી ચર્ચા-પરામર્શ કરી તમામ પડકારોનો સામનો કરી સ્થિતિને હળવી બનાવવા પર ભાર મુકયો હતો.

 

(4:21 pm IST)