Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

પાકિસ્‍તાનમાં ભીલ સમાજ ઉપર અત્‍યાચારો

ધર્મપરિવર્તન માટે જીવલેણ હુમલાની હારમાળાઃ પાકિસ્‍તાન હિન્‍દુ કાઉન્‍સીલે કરી ફરીયાદ

કરાંચીઃ પાકિસ્‍તાનમાં દલિતો પર થઇ રહેલા અત્‍યાચાર અને ધર્મપરિવર્તનના દબાણ વચ્‍ચે ભીલ જાતિના લોકોએ મુકાબલો શરૂ કર્યો છે. ભીલો ધર્મ પરિવર્તનનો અસ્‍વીકાર કરવા લાગ્‍યા છે. તો હવે જીવલેણ હુમલાઓ અને ઘર બાળી નાખવાની ઘટનાઓ બની રહી છે. સિંધ વિસ્‍તારમાં વધી રહેલા ધાર્મિક અત્‍યાચારો બાબતે સિંધી ફાઉન્‍ડેશન પણ અવાજ ઉઠાવવા લાગ્‍યું છે.

પાકિસ્‍તાનના માતીતડી સીંધમાં પોલીસ દ્વારા ભીલ વસ્‍તી પર સતત ધર્મ પરિવર્તનનું દબાણ કરાઇ રહ્યું છે. તેમની દીકરીઓના અપહરણના બનાવો બન્‍યા પણ તેમણે પીછેહઠ ન કરતા હવે પોલિસને સાથે રાખીને તેમના ઘરોમાં આગ લગાવી દેવાઇ, ભીલોએ તેનો વિરોધ કર્યો જેમાં ઘણાં ભીલો ઘાયલ થયા.

આવી જ રીતે પાકિસ્‍તાનના રહમ્‍યારખાં અને સિંધમાં પણ હવે હિંદુઓ પર અત્‍યાચારના બનાવો જાહેર થઇ રહ્યા છે. વિભીન્‍ન જમાતો સાથે જોડાયેલા લોકો દલિતોની વસ્‍તીમાં પહોંચીને તેમનુ ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરી રહ્યા.

દર શુક્રવારે દરગાહોમાં કરાતા ધર્મ પરિવર્તનમાં ગરીબ અને કમજોર દલિતો પરીવારોને મજબૂર કરાઇ રહ્યા છે. આવું ન કરનારની સંપત્તિ અને ઘર છીનવવાની સાથે જ તેમની દીકરીઓના અપહરણની ધમકીઓ પણ મળવા લાગી છે.

(2:56 pm IST)