Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ભૂપેન્દ્રસિંહને ફટકો : ચૂંટણી રદ : મંત્રીપદ જોખમમાં

ર૦૧૭ની ધોળકા વિધાનસભાની પેટાચૂંટણીમાં પોસ્ટલ મતના વિવાદ અંગે કોંગીના પરાજિત ઉમેદવારની અરજી પર હાઇકોર્ટનો ચુકાદો : ચૂકાદા સામે સુપ્રીમમાં જવાનો શિક્ષણમંત્રીનો નિર્ણય : કોંગ્રેસે સત્યનો વિજય ગણાવી રાજીનામું માંગ્યું

રાજકોટ, તા. ૧૨ :. રાજ્યના શિક્ષણ અને કાયદામંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જ્યાંથી ચૂંટણી લડેલા તે અમદાવાદ જિલ્લાના ધોળકા વિધાનસભા બેઠકની ચૂંટણી હાઈકોર્ટે રદ્દ કરતા ખળભળાટ મચી ગયો છે. ભૂપેન્દ્રસિંહનું મંત્રી પદ જોખમમાં મુકાયુ છે. કોંગ્રેસના હારેલા ઉમેદવાર અશ્વિન રાઠોડે બેલેટ પેપરના મત ન ગણાવાથી પોતાને અન્યાય થયાનું જણાવી હાઈકોર્ટમા અરજી કરેલ. વખતોવખતની સુનાવણી બાદ હાઈકોર્ટ જજ શ્રી પરેશ ઉપાધ્યાયે આજે અવલોકન આધારીત ૧૪ મુદ્દાઓ અલગ તારવી ભૂપેન્દ્રસિંહની વિરૂદ્ધમાં ચુકાદો આપ્યો છે. તેમનુ મંત્રી પદ જોખમમાં મુકાય ગયુ છે. તેમણે હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રિમમાં જવાનુ જાહેર કર્યુ છે.

૨૦૧૭માં ધોળકા વિધાનસભાની ચૂંટણીની મત ગણતરી વખતે વિવાદ થયો હતો. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે રજૂઆત કરેલ કે ભૂપેન્દ્રસિંહ ૩૨૭ મતે વિજેતા જાહેર થયા છે. ચૂંટણી અધિકારી ધવલ જાનીએ પોસ્ટલ મત (૪૨૯) ગણવાનું ઈરાદાપૂર્વક બાકાત રાખ્યુ હતું. જો મતને ગણતરીમાં લેવામાં આવે તો પોતે જીતી શકે તેમ છે. હાઈકોર્ટે જે તે વખતે ચૂંટણી અધિકારી સામે પગલા લેવા આદેશ આપેલ. સરકારે તેને અધિક કલેકટર પદે આપેલુ પ્રમોશન પણ પાછુ ખેંચવુ પડયુ હતું. હાલ તેઓ મેટ્રો રેલ પ્રોજેકટમાં નાયબ કલેકટર તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળે છે.

અરજદારની અપીલ અને સાક્ષીઓ તેમજ પુરાવાઓ નજર સમક્ષ રાખી હાઈકોર્ટે ધોળકાની ચૂંટણી જ રદ્દ કરતો હુકમ કર્યો છે. ચૂંટણી જ રદ્દ થઈ હોવાથી હવે ભૂપેન્દ્રસિંહ ધારાસભ્ય રહેતા નથી તેવુ અર્થઘટન કાયદાના જાણકારો કરી રહ્યા છે. મંત્રી મંડળમા રહેવા માટે ધારાસભ્ય હોવુ જરૂરી છે. વિગતવાર ચૂકાદો જાહેર થયા બાદ કાયદાકીય સ્થિતિ સ્પષ્ટ થશે. હાલ તૂર્ત તો ભૂપેન્દ્રસિંહના મંત્રી પદ પર જોખમ જણાય છે.

શિક્ષણ મંત્રીએ હાઈકોર્ટના ચૂકાદા સામે સુપ્રિમમા અપીલ કરવાની તજવીજ હાથ ધરી છે. કોંગ્રેસે આ ચુકાદાને સત્યનો વિજય ગણાવી સરકારમાંથી ભૂપેન્દ્રસિંહના રાજીનામાની માંગણી કરી છે. કાયદાકીય અને નૈતિક બન્ને બાબતો અલગ છે તેથી સરકાર અને ભાજપ હાઈકમાન્ડ ભૂપેન્દ્રસિંહ બાબતે શું નિર્ણય લે છે ? તે ટૂંક સમયમાં સ્પષ્ટ થઈ જશે. રાજ્યમાં સરકાર એક તરફ કોરોના સામે જંગ ખેલી રહી છે તેવા વખતે જ સિનીયર કેબીનેટ મંત્રી જ્યાંથી લડેલા તે બેઠકની ચૂંટણી રદ્દ થતા ભૂપેન્દ્રસિંહ અને શાસકોને ઝાટકો લાગ્યો છે.

(3:34 pm IST)