Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

લોકડાઉનને કારણે ગુજરાતમાં બેકારીએ મોઢુ ફાડયું: હજુ વધુ ખરાબ સ્‍થિતિ થશે

ગુજરાતમાં બેકારીનો દર ૩ ગણો વધ્‍યોઃ માર્ચમાં ૬.૭ ટકા હતાં જે વધીને એપ્રિલમાં થયો ૧૮.૭ ટકા : જો કે ગુજરાતની સ્‍થિતિ અન્‍ય રાજયો કરતાં સારી હોવાનું નોંધાયું

નવી દિલ્‍હી, તા.૧૨: સેન્‍ટર ફોર મોનિટરિંગ ઇન્‍ડિયન ઇકોનોમી (CMIE) દ્વારા એક ઇન્‍ડિપેન્‍ડન્‍ટ રિસર્ચ એજન્‍સી દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ લોકડાઉનને કારણે ગુજરાતમાં બેરોજગારીનો દર પાછલા મહિનામાં ત્રણ ગણો વધી ગયો છે. સીએમઆઈઇના જણાવ્‍યા અનુસાર, રોજગારને લઈને વધુ ખરાબ સમાચાર સામે આવ્‍યા છે કારણ કે ચાલુ લોકડાઉનને કારણે બેકારીનો દર હજી વધે તેવી સંભાવના છે. ગુજરાત માટે સારી વાત એ છે કે તેનો આંકડો રાષ્ટ્રીય બેરોજગારીના દર કરતા વધુ સારો છે.

સીએમઆઈએએ તેના ‘ભારતમાં બેરોજગારી દર' અહેવાલમાં નોંધ્‍યું છે કે ગુજરાતનો બેરોજગારીનો દર જે માર્ચમાં ૬.૭% હતો તે એપ્રિલમાં વધીને ૧૮.૭% થયો છે. ઓલ ઈન્‍ડિયા અહેવાલના રિપોર્ટમાં સીએમઆઈઇએ નોંધ્‍યું છે કે મે મહિનામાં બેકારીના દરમાં હજી વધારો થવાની ધારણા છે. એજન્‍સીએ અહેવાલ આપ્‍યો છે કે રાષ્ટ્રીય બેરોજગારી દર એપ્રિલમાં ૮.૭% હતો જે એપ્રિલમાં વધીને ૨૩.૫% થયો હતો. ૧૮.૭%ના બેરોજગારી દર સાથે ગુજરાતનો ક્રમાક રાષ્ટ્રીય સરેરાશ કરતા થોડો સારો છે. મહારાષ્ટ્રનો બેરોજગારી દર માર્ચમાં ૫.૮% હતો જે એપ્રિલમાં ૨૦.૯% ગયો હતો. કર્ણાટકનો બેરોજગારી દર માર્ચમાં ૩.૫% હતો જે એપ્રિલમાં વધીને ૨૯.૮% થયો હતો.

મેના પ્રથમ સપ્તાહનો ડેટા સૂચવે છે કે બેકારીનો દર હજી વધી શકે છે. કારણ કે લોકડાઉન લાંબા સમય સુધી વધતું જાય છે. શરૂઆતમાં લોકડાઉન ફક્‍ત મજૂરોને નુકસાન પહોંચાડે છે જે અનૌપચારિક રીતે કાર્યરત છે. ધીમે-ધીમે તે વધુ સુરક્ષિત નોકરીઓને ફટકારવાનું શરૂ કરે છે. સ્‍ટાર્ટઅપે લે-ઓફની ઘોષણા કરી છે જયારે ઈન્‍ડસ્‍ટ્રી એસોસિએશને નોકરીઓ ગુમાવવાની ચેતવણી આપી છે.

રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્‍યું છે કે, ‘આ આશ્ચર્યજનક વાત નથી કે નાના વેપારીઓ અને વેતન મજૂરો આમાંથી મોટાભાગના નુકસાન માટે જવાબદાર છે. લોકડાઉન દરમિયાન તેઓ જ સૌથી વધુ પ્રભાવિત થયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે ફેરિયાઓ અને દૈનિક વેતન મેળવનારા મજૂરો કે જેની આજીવિકા રોજિંદા કાર્યરત અર્થતંત્ર પર આધારિત છે તેઓ પણ સૌથી વધુ અસરગ્રસ્‍ત છે. અહેવાલમાં જણાવાયું છે કે તેઓ રોજની કમાણીથી પરિવારનું ગુજરાન ચલાવે છે. આમાંથી ૯૧ મિલિયન લોકોએ એપ્રિલ ૨૦૨૦માં રોજગાર ગુમાવ્‍યો હતો.

(11:26 am IST)