Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ઇમર્જન્સી સર્વિસના કર્મચારીઓ માટે લોકલ ટ્રેન શરૂ કરાવો : ઉદ્ધવ ઠાકરે

પીએમ સાથેની વિડિઓ કોન્ફ્રસીંગમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કરી રજૂઆત

મુંબઈ : વડા પ્રધાન  મોદીએ ગઈ કાલે લૉકડાઉન દ્વારા પાંચમી વખત વિવિધ રાજ્યના મુખ્ય પ્રધાનો સાથે વિડિયો-કૉન્ફરન્સિંગના માધ્યમથી વાતચીત કરી હતી. આ સમયે કોરોના સામેની લડતમાં મુંબઈ શહેરમાં અસંખ્ય લોકો ઇમર્જન્સી સર્વિસમાં જોડાયેલા છે. આ લોકોની અવરજવર માટે લોકલ ટ્રેન શરૂ કરવાની વિનંતી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ કરી હતી.

મુંબઈમાં લૉકડાઉન કરાયાના કેટલાક દિવસ પહેલાં સામાન્ય જનતા માટે લોકલ ટ્રેન બંધ કરાઈ હતી. આ સમયે ઇમર્જન્સી સર્વિસ સાથે જોડાયેલા કર્મચારીઓની અવરજવર માટે આઇડેન્ટિટી કાર્ડ બતાવીને પ્રવાસની મંજૂરી અપાતી હતી. આવી જ રીતે લોકલ ટ્રેન શરૂ કરાય તો હજારો કર્મચારીઓને રાહત થશે એમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું.

 અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈમાં પ્રવાસ કરવા માટે લોકલ ટ્રેન સૌથી સરળ અને ઝડપી પર્યાય હોવાથી એને લાઇફલાઇન કહેવામાં આવે છે. આજના કોરોનાના સંકટમાં દિવસ-રાત ઇમર્જન્સી સેવામાં જોડાયેલા લોકોને ટ્રેનની સુવિધા મળે તો તેઓ ઝડપથી ઘરે કે કામકાજના સ્થળે પહોંચી શકશે.

(11:00 am IST)