Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ઉધ્ધવ ઠાકરે પાસે પોતાની કાર નથીઃ પરિવાર પાસે ૧૪૩ કરોડની સંપતિઃ ૧૫.૫૦ કરોડનું દેવું

પહેલીવાર ચૂંટણી લડતા ઉધ્ધવ ઠાકરેએ ભર્યું ઉમેદવારી પત્ર

મુંબઇ,તા.૧૨: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ જાહેર કર્યું છે કે તેમની અને તેમના પરિવાર પાસે ૧૪૩.૨૬ કરોડ રૂપિયાની સ્થાવર જંગમ મિલ્કતો છે. જો કે તેની પાસે એક પણ કાર નથી. ઠાકરે પર લોન સહિત ૧૫.૫૦ કરોડ રૂપિયાનું દેવું પણ છે. ભારત ના ચુંટણી પંચને સોમવારે આપેલ સોગંદનામમાં તેમણે પોતાની સંપતિ અને આવકના સ્ત્રોતો અંગે જણાવ્યું છે.

તેમની પત્ની રશ્મિની આવક જુદા જુદા ધંધામાંથી થાય છેે તે શિવસેનાના મુખપત્ર 'સામના' ની તંત્રી પણ છે. ઠાકરેએ પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે તેમની પાસે કોઇ કાર નથી તેમની વિરૂધ્ધ પોલીસમાં ૨૩ ફરિયાદો નોંધાયેલી છે. તેમની વિરૂધ્ધ 'દોપહરકા સામના'માં માનહાનીકારક સામગ્રી અથવા કાર્ટુન અંગેની છે.

ઠાકરેએ પોતાના બન્ને પુત્રોને પોતાના પર આધારિત નથી દર્શાવ્યા એટલે સોગંદનામામાં તેમની સંપતિ અને દેવાનો ઉલ્લેખ નથી કરાયો. ઉધ્ધવ ઠાકરેના મોટા પુત્ર આદિત્ય ઠાકરે મહારાષ્ટ્ર કેબિનેટમાં પ્રધાન છે અને પર્યાવરણ મંત્રાલય સંભાળે છે.

સોગંદનામા અનુસાર, ઉધ્ધવ ઠાકરે પાસે ૭૬.૫૯ કરોડ રૂપિયાની સંપતિ છે. જેમાંથી ૫૨.૪૪ કરોડ રૂપિયાની સ્થાવર અને ૨૪.૧૪ કરોડની જંગમ મિલ્કત છે. તેમની પત્ની પાસે ૬૫.૦૯ કરોડની સંપતિ છે. જેમાંથી ૨૮.૯૨ કરોડ રૂપિયાની સ્થાવર અને ૩૬.૧૬ કરોડની જંગમ મિલ્કત છે.

ગઇ કાલે ઉધ્ધવ ઠાકરે અને સતાધારી ગઠબંધનના ૪ અન્ય ઉમેદવારોએ ૨૧મેએ થનાર વિધાન પરિષદની ચુંટણી માટે પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા. મુખ્ય પ્રધાન અત્યારે વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્ય નથી.

(10:42 am IST)