Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

૫૮ ટકા મોત છેલ્લા ૧૧ દિવસમાં જ નોંધાયા

કોરોનાઃ મૃત્યુઆંકમાં હવે મહારાષ્ટ્ર પછી ગુજરાતનો ક્રમઃ કુલ ૫૧૩ના મોતઃ ૮૫૪૨ દર્દી

નવી દિલ્હી, તા.૧૨: ગઈકાલ સાંજ સુધીમાં વધુ ૨૦ મોત સાથે કોરોનાથી મોતને ભેટનારા લોકોની સંખ્યા હવે રાજયમાં ૫૦૦ને આંબી ગઈ છે. વળી, ૩૪૭ નવા કેસ સાથે હવે કુલ પોઝિટિવ દર્દીઓનો આંક ૮,૫૪૨ પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક ૫૧૩.

કોરોનાથી ૫૦૦થી વધુના મોત થયા હોય તેવા રાજયોમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા ક્રમે આવે છે. ચોંકાવનારી વાત એ છે કે, રાજયમાં ૫૮ ટકા મોત ૧ મેથી ૧૧ મેના ગાળામાં જ થયા છે.

૩૦ એપ્રિલ સુધી રાજયમાં કુલ મૃત્યુઆંક ૨૧૪ હતો, જયારે છેલ્લા ૧૧ દિવસમાં વધુ ૨૯૯નાં મોત થયા છે. રાજયમાં છેલ્લા ચાર દિવસમાં જ ૧૦૦ દર્દીઓનાં મોત થયાં છે. છેલ્લા ૧૧ દિવસમાં જે ૨૯૯ મૃત્યુ નોંધાયા છે તેમાં ૨૫૧ એટલે કે ૮૪ ટકા તો માત્ર અમદાવાદ જિલ્લાના જ છે.

આરોગ્ય વિભાગ દ્વારા મૃતકોની ઉંમર તેમજ તેમને બીજી કોઈ બીમારી હતી કે કેમ તેની વિગતો આપવાનું ૫ મેથી બંધ કરી દેવાયું છે. ગઈકાલે જે નવા ૩૪૭ કેસ નોંધાયા હતા તેમાંથી ૭૭ ટકા એટલે કે, ૨૬૮ માત્ર અમદાવાદના હતા.

અમદાવાદ જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ગઈકાલે ૬,૦૦૦ને પાર થઈને ૬.૦૮૬ થઈ હતી, અને કુલ મૃત્યુઆંક પણ ૪૦૦ને વટાવી ગયો છે. જેમાંથી મોટાભાગના કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. મુંબઈ બાદ અમદાવાદ બીજો એવો જિલ્લો છે કે જયાં દેશના સૌથી વધુ કેસ નોંધાયા છે.

(10:07 am IST)