Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

લોકડાઉનને કારણે રેસ્ટોરન્ટ અને હોટલો પાસે ૩૦૦૦ કરોડનો દારૂનો સ્ટોક જમા થયોઃ હોમ ડીલીવરીની માંગ

બીયર એસોસીએશન અને રેસ્ટોરન્ટ સંગઠને માંગણી કરી...તબાહ થઈ ચૂકેલ ઉદ્યોગને મદદ મળવી જોઈએ : ઈ-કોમર્સ કંપનીઓ અને જોમેટા-સ્વીગી જેવી કંપનીઓને હોમ ડીલીવરી માટે ખાસ લાયસન્સ આપવા સૂચન

નવી દિલ્હી, તા. ૧૨ : દારૂ ઉત્પાદકોની સાથે સાથે હવે રેસ્ટોરન્ટસ, બાર અને ખાણીપીણીને લગતી ઓનલાઈન સુવિધા આપતી કંપનીઓએ પણ સરકાર પાસે દારૂની હોમ ડીલીવરી કરવાની છૂટ માંગી છે. આ કંપનીઓનું કહેવુ છે કે આનાથી કોરોના સંક્રમણના આ ખતરાવાળા દોરમાં લોકો વચ્ચે સુરક્ષિત અંતર સુનિશ્ચિત થશે એટલુ જ નહિ પ્રતિબંધોને કારણે તબાહ થઈ ચૂકેલ કામકાજને ફરી બેઠુ કરવામાં પણ મદદ મળશે.

બીયર બનાવતી કંપનીઓના સંગઠન ઓલ ઈન્ડીયા બ્રેવર્સ એસોસીએશને આ માટે ફલીપકાર્ટ, એમેઝોન અને ગ્રોફર્સ જેવી ઈ-કોમર્સ કંપનીઓ અને જોમેટો તથા સ્વીગી જેવી ફુડ ડીલીવરી કંપનીઓને ખાસ લાયસન્સ આપવાનુ સૂચન કર્યુ છે. સંગઠને કહ્યુ છે કે આ કંપનીઓ ઓનલાઈન ઓર્ડર લઈ શકે છે અને લાયસન્સ પ્રાપ્ત રીટેલ અને જથ્થાબંધ દારૂ વિક્રેતાઓ થકી માંગને પુરી કરી શકે છે.

સંગઠને દારૂ માટે રાજ્યના આબકારી વિભાગો હેઠળ ઓનલાઈન ઓર્ડર કરવા માટે પોર્ટલ બનાવવા પણ સૂચન કર્યુ છે. ભારતીય રાષ્ટ્રીય રેસ્ટોરન્ટ સંઘના અધ્યક્ષ અનુરાગ કટીયારનુ કહેવુ છે કે અમે ઘણા સંકટમાં છીએ. એક તરફ અમારી પાસે મોંઘા દારૂનો સ્ટોક જમા થઈ ગયો છે તો બીજી તરફ અમારી પાસે રોકડનું સંકટ છે.

તેમણે કહ્યુ છે કે અમે બધી રાજ્ય સરકારોને અપીલ કરીએ છીએ કે અમને દારૂના સ્ટોકનું વેચાણ કરવા પરવાનગી આપવામાં આવે. હોમ ડીલીવરી મોડલથી આ થઈ શકે છે. ખાનપાન સંબંધી ઓનલાઈન સુવિધા આપતી કંપનીઓ સરકારની મંજુરીથી દારૂની હોમ ડીલીવરી કરવા તૈયાર છે. સૂત્રોનું માનીએ તો ઓનલાઈન વેચાણ અને હોમ ડીલીવરી માટે સ્વીગી જેવી કંપનીઓ સાથે તંત્રની વાતચીત ચાલી રહી છે.

બીયર કેફેના સ્થાપક રાહુલ સિંહનું કહેવુ છે કે ભારતમાં દારૂ ૩ રીતે હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરીંગ તથા કેન્ટીન સ્ટોર થકી વેચાય છે. લોકડાઉનને કારણે દેશભરમા વિવિધ આઉટલેટ પર ૩૦૦૦ કરોડનો સ્ટોક જમા પડયો છે. રાજ્ય સરકારોને અમારી અપીલ છે કે અસ્થાયી રૂપથી સ્ટોક વેચવા મંજુરી આપવામાં આવે. અનેક દેશોએ આવુ કર્યુ છે. ભારતમાં પણ આ સંભવ છે.

(9:59 am IST)