Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

બ્રિટનમાં કોરોનાથી ૭ લાખ લોકો મોતના મુખમાં ધકેલાશે

બ્રિસ્ટલ યુનિવર્સિટીના અભ્યાસમાં સનસનીખેજ ખુલાસોઃ દેશમાં ગરીબી, બેકારી, મંદી વકરશેઃ કોરોનાને હરાવવા ૨૦૨૪ સુધી સોશ્યલ ડિસ્ટન્સીંગ માટે દેશને મજબુર થવુ પડશે : દેશમાં અત્યાર સુધીમાં ૩૧૮૫૫ લોકોના મોત થયા છેઃ હજુ હજારો લોકો મૃત્યુ પામશેઃ મંદી, ગરીબી અને લાપરવાહીની સ્થિતિમાં આ આંકડો વધતો જશેઃ લોકડાઉન ખોલાયુ પરંતુ લોકો કન્ફયુઝ

લંડન, તા. ૧૨ : બ્રિટનમાં કોરોના વાયરસે છેલ્લા ૨૪ કલાકમાં ૨૬૯ લોકોનો ભોગ લીધો છે. જે છેલ્લા ૬ સપ્તાહમાં સૌથી ઓછો છે. અત્યાર સુધી આ મહામારીને કારણે બ્રિટનમાં ૩૧૮૫૫ લોકોના મોત થયા છે. આ દરમિયાન વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે મહામારીને કારણે હજુ વધુ હજારો લોકો મોતના મુખમાં જઈ શકે છે. અભ્યાસમાં કહેવાયુ છે કે જો આ મહામારી પર કાબુ નહિ મેળવાય તો આ વર્ષના અંત સુધીમાં બ્રિટનમાં મરનારાઓની સંખ્યા ૧ લાખ થઈ શકે છે તો એક અન્ય અભ્યાસમાં કહેવાયુ છે કે કોરોના વાયરસ અને તેના માટે લોકડાઉન જેવા ઉઠાવવામાં આવેલા પગલાઓને કારણે બ્રિટનમાં ૭ લાખ લોકોના મોત થઈ શકે છે.

યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલના અભ્યાસ અનુસાર બ્રિટનમાં ૭ લાખ લોકો આ જીવલેણ વાયરસથી જીવ ગુમાવી શકે છે. આ સંખ્યા બીજા વિશ્વ યુદ્ધમાં થયેલા મોતથી પણ વધુ હશે. અભ્યાસમાં જણાવાયુ છે કે મંદી, ગરીબી અને લાપરવાહીની સ્થિતિમાં આ આંકડો વધી પણ શકે છે. સંશોધનકારોનુ અનુમાન છે કે વેકસીન વગર બ્રિટને કોવિડ-૧૯ને હરાવવા માટે ૨૦૨૪ સુધીમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ માટે મજબુર થવુ પડશે. સંશોધનકારોનું કહેવુ છે કે લોકડાઉનને કારણે મંદી પણ આવી શકે છે. તેવામાં કોરોના વાયરસ, ખરાબ સ્વાસ્થ્ય પ્રણાલી અને ગરીબીને કારણે ૫ વર્ષમાં ૬.૭૫ લાખ લોકોના મોત થઈ શકે છે.

બ્રિટનમાં ૨૪ કલાકમાં ૪૦૦૦થી વધુ કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. આ સાથે સંખ્યા ૨.૧૯ લાખ સુધી સંખ્યા પહોંચી છે. દરમિયાન વડાપ્રધાન જોન્સને કોરોના લોકડાઉન સમાપ્ત કરવા માટે ત્રણ તબક્કાના એક એકઝીટ પ્લાનને રજૂ કર્યુ છે. જો કે આનાથી લોકોમાં ભ્રમ ફેલાયો છે. આ એકઝીટ પ્લાન અનુસાર લોકો પોતાના પરિવારના સભ્યોને મળી નહિ શકે પરંતુ સહકર્મચારીઓને મળી શકશે. તેમણે કહ્યુ છે કે બુધવારથી લોકો પાર્કમાં કસરત કરી શકશે અને અંતર રાખી તડકો લઈ શકશે. આવતા મહિનાથી સ્કૂલ ખોલાશે.

(9:58 am IST)