Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

રિયાઝ નાયકુના મોતથી હિઝબુલ રઘવાયું બન્યું : નવા કમાન્ડર કમાન્ડર ગાઝીને ભારતમાં આતંકી હુમલાની સોંપાઈ જવાબદારી

હિઝબુલ ધાટીમાં આતંકવાદી પ્રવૃત્તિઓને વેગ આપવાની ફિરાકમાં : આત્મઘાતી બોમ્બનો આશરો લેશે.તેવી ભીતિ

નવી દિલ્હી : પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીન  ભારતમાં મોટા હુમલાનું કાવતરું ઘડી રહ્યો છે અને તેને જવાબદારી ગાજી હૈદર ઉર્ફે સૈફુલ્લાહને સોંપવામાં આવી છે. ભારતીય સેનાએ મોસ્ટ વોન્ટેડ આતંકવાદી રિયાઝ નાયકુ ને ઠાર માર્યા બાદ ગાઝીને હિઝબુલનો કમાન્ડર બનાવવામાં આવ્યો છે. નાયકૂનું મોત પ્રતિબંધિત સંગઠન હિઝબુલ માટે મોટો ફટકો હતો અને હવે તે તેનો બદલો લેવા માંગે છે.

  ઇનપુટ મુજબ, હિઝબુલ ધાટીમાં આતંકવાદી પ્રવૃત્તિઓને વેગ આપવા માંગે છે. જેથી ભારતીય સૈન્ય દ્વારા બનાવેલા દબાણને ઘટાડી શકે. આ માટે તેણે એક વિશેષ યોજના તૈયાર કરી છે અને ભારતીય સેનાને નિશાન બનાવવાનો આદેશ આપ્યો છે.એટલું જ નહીં, પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી સંગઠનના નેતાને પણ મોટા પાયે આતંકવાદી પ્રવૃતિઓ ચલાવવા માટે તેની નવી રચાયેલી વિંગ TRF અને જૈશ-એ-મોહમ્મદ સાથે હાથ મિલાવવા સૂચનાઓ પણ મળ્યા છે. સુરક્ષા દળોને આશંકા છે કે આતંકવાદીઓ તેમની નાપાક હરકતોને પૂર્ણ કરવા માટે આ આત્મઘાતી બોમ્બનો આશરો લેશે.

2016-17માં જ્યારે બુરહાન વાનીને હિઝબુલ કમાન્ડર બનાવવામાં આવ્યો હતો, ત્યારે ગાઝી હૈદર ઉર્ફે સૈફુલ્લાહને ઘાયલ આતંકીઓની સારવાર સોંપવામાં આવી હતી. આ દરમિયાન તેણે ઘણા આતંકીઓને તાલીમ આપી હતી. જેના કારણે તે પછી ડોક્ટર સૈફુલ્લાહ તરીકે ઓળખાવા લાગ્યો. સુરક્ષા એજન્સીઓ તેને આ નામથી ઓળખે છે. 2017 માં, જ્યારે રિયાઝ નાયકુની ઓપરેશનલ કમાન્ડર તરીકે નિમણૂક કરવામાં આવી હતી, ત્યારે સૈફુલ્લાહને તેનો ડેપ્યુટી બનાવવામાં આવ્યો હતો.

(11:52 pm IST)