Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

વીઆરએસ માટે ૭૦૦૦૦ BSNL કર્મી તૈયાર થયા છે

બીએસએનએલ દ્વારા સત્તાવાર માહિતી અપાઈ : ટાર્ગેટ સુધી કંપની પહોંચશે તો પગારબિલ સ્વરુપે ૭૦૦૦ કરોડ રૂપિયાની રકમ બચશે : વીઆરએસને લઇને ચર્ચા

નવીદિલ્હી, તા. ૧૧ : સરકારી ટેલિકોમ કોર્પોરેશનના એમડી અને ચેરમેન પીકે પુરવારે આજે કહ્યું હતું કે, બીએસએનએલના ૭૦૦૦૦થી વધુ કર્મચારીઓ વીઆરએસ સ્કીમનો લાભ લેવા માટે તૈયાર થઇ ચુક્યા છે. વીઆરએસની સ્કીમ ગયા સપ્તાહમાં જ શરૂ કરવામાં આવી હતી. એકંદરે કર્મચારીઓમાં આશરે એક લાખ બીએસએનએલ કર્મી સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (વીઆરએસ)નો લાભ લેવા માટે પાત્ર દેખાઈ રહ્યા છે. બીએલએનએલના કુલ કર્મચારીઓની સંખ્યા ૧૫૦૦૦૦ની આસપાસ રહેલી છે. બીએસએનએલ દ્વારા વીઆરએસ માટે ટાર્ગેટ ૭૭૦૦૦ કર્મચારીઓનો રાખવામાં આવ્યો છે અને ૭૦૦૦૦ કર્મચારીઓ વીઆરએસ માટે તૈયાર થઇ જતાં કંપની અને સરકાર ટાર્ગેટની બિલકુલ નજીક પહોંચી ચુકી છે. વર્તમાન સ્કીમ હેઠળ સ્વૈચ્છિક નિવૃત્તિની અસરકારક તારીખ ૩૧મી જાન્યુઆરી ૨૦૨૦ની છે. હજુ સુધી વીઆરએસ માટે પસંદગી કરનાર કર્મચારીઓની સંખ્યા ૭૦૦૦૦થી ઉપર પહોંચી ચુકી છે.

                 બોર્ડ તરફથી મજબૂત પ્રતિસાદ મળી રહ્યો છે. પૂરવારે કહ્યું છે કે, ટેલિકોમ વિભાગ દ્વારા કોર્પોરેશનને બિઝનેસ ચાલુ રાખવા અને સાનુકુળ ઓપરેશનને આગળ વધારવા પગલાઓ ઉપર તાકિદે વિચારણા કરવા કહેવામાં આવ્યું હતું. ટેલિફોનિક એક્સચેંજ ગ્રામિણ વિસ્તારોમાં ઝડપથી આગળ વધે તેવા હેતુ પણ રાખવામાં આવ્યા છે. બીએસએનએલ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના ૨૦૧૯ ગયા સપ્તાહમાં જ શરૂ કરવામાં આવી હતી. આ યોજના ત્રીજી ડિસેમ્બર સુધી ખુલ્લી રહેનાર છે. બીએસએનએલ પગાર બિલ તરીકે ૭૦૦૦ કરોડ રૂપિયા બચાવી લેવા માટે ઇચ્છુક છે. જો ૭૦૦૦૦-૮૦૦૦૦ જેટલા કર્મચારીઓ નિવૃત્તિ લેવા માટે તૈયાર થઇ જશે તો આ નાણાં બચી શકશે. સ્કીમ મુજબ બીએસએનએલના તમામ નિયમિત અને કાયમી કર્મચારીઓમાં અન્ય સંસ્થાઓમાં ડેપ્યુટેશનમાં રહેલા અધિકારીઓ પણ સામેલ છે. કોઇપણ પાત્ર કર્મચારી માટે વળતરની રકમ ખુબ ઉલ્લેખનીય રહેનાર છે. કેન્દ્રીય કેબિનેટે આ પ્લાનને મંજુરી આપી હતી. એમટીએનએલ મુંબઈ અને નવી દિલ્હી વચ્ચે સેવા ઉપલબ્ધ કરાવે છે જ્યારે ભારત સંચાર નિગમ લિમિટેડ દેશના અન્ય ભાગોમાં સેવા બજાવે છે. બચાવ પેકેજમાં ફોરજી સ્પેક્ટ્રમની ખરીદી માટે ૨૦૧૪૦ કરોડ રૂપિયા, સ્પેક્ટ્રમ ફાળવણી પર ચુકવવામાં આવનાર જીએસટી માટે ૩૬૭૪ કરોડ રૂપિયા, ડેબ્ટ પર ૧૫૦૦૦ કરોડ રૂપિયા ઉભા કરવા કંપનીઓને રાહત આપવામાં આવનાર છે.

                    બીએસએનએલની સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના અથવા તો વીઆરએસ યોજનાનો લાભ લેવા માટે ખુબ આકર્ષક ઓફર કરવામાં આવી છે. કોઇપણ લાયક કર્મચારી માટે વળતરની રકમ સર્વિસના દરેક પૂર્ણ કરવામાં આવેલા વર્ષ માટે ૩૫ દિવસના પગાર સમાન રહેશે જ્યારે બાકી રહી ગયેલી સેવાના દર વર્ષ માટે ૨૫ દિવસના પગાર તરીકે ચુકવણી કરવામાં આવનાર છે. મહાનગર નિગમ ટેલિફોન લિમિટેડ દ્વારા પણ તેના કર્મચારીઓ માટે વીઆરએસની યોજના તૈયાર કરી લીધી છે. આ યોજના વીઆરએસના ગુજરાત મોડલ ઉપર આધારિત છે. આ સ્કીમ પણ કર્મચારીઓ માટે ત્રીજી ડિસેમ્બર ૨૦૧૯ સુધી ખુલ્લી રહેશે. હાલમાં જ તેના કર્મચારીઓને એમટીએનએલ દ્વારા આપેલા પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ૫૦ વર્ષ અને તેની ઉપરની વયના તમામ નિયમિત અને કાયમી કર્મચારીઓ આ સ્કીમનો લાભ લેવા માટે પાત્ર રહેશે. અત્રે નોંધનીય છે કે, ગયા મહિનામાં જ સરકારે બીએસએનએલ અને એમટીએનએલ માટે ૬૯૦૦૦ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી. સાથે સાથે નુકસાન કરતા બે એકમોને મર્જ કરવાની પણ જાહેરાત કરી હતી.

(7:31 pm IST)