Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

સોનિયા ગાંધીનાં ઘરે CWCની મિટીંગ પુરી: ખડગેએ કહ્યુ- સાંજે 4 વાગ્યે મહારાષ્ટ્રનાં નેતાઓ સાથે ફરી કરશે બેઠક

મહારાષ્ટ્રના 44 માંથી 40 ધારાસભ્યો શિવસેના સાથે સરકાર બનાવવાની તરફેણમાં

નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમ ઝડપથી બદલાઇ રહ્યો છે. વર્તમાન રાજકીય સંકટ વચ્ચે રાજ્યની આગામી સરકારની રચનાનું ચિત્ર હજી સ્પષ્ટ થયું નથી. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસ સ્થાને યોજાયેલી પાર્ટીની કેન્દ્રીય કાર્યકારી સમિતિની મહત્વપૂર્ણ બેઠકમાં મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી

  . બેઠક અંગે માહિતી આપતાં પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુલ ખડગેએ કહ્યું કે શિવસેનાને ટેકો આપવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે સાંજે 4 વાગ્યે ફરી મહારાષ્ટ્રના મોટા નેતાઓ સાથે બેઠક થશે જેમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.

   સીડબ્લ્યુસીની બેઠકમાં કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના 44 માંથી 40 ધારાસભ્યો શિવસેના સાથે સરકાર બનાવવાની તરફેણમાં છે, અને તેમણે પોતાની વાત હાઈકમાન્ડ સુધી પહોંચાડી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક બાદ ટૂંક સમયમાં સ્પષ્ટ થઈ જશે કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી ગઠબંધન શિવસેનાને ટેકો આપશે કે નહીં.

  સોનિયા ગાંધીના નિવાસ સ્થાને યોજાયેલી આ બેઠકમાં મલ્લિકાર્જુન ખડગે, ગુલામ નબી આઝાદ, છગન ભુજબલ, હરીશ રાવત, કેસી વેણુગોપાલ, અહેમદ પટેલ, મુકુલ વાસનિક, એ.કે. એન્ટની અને કુમારી શૈલજા જેવા કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ સામેલ થયા હતા.

   બેઠક પૂર્વે મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને અહેમદ પટેલ સાથે ફોન પર વાત કરી હતી અને તેઓને વર્તમાન રાજકીય પરિસ્થિતિ વિશે માહિતગાર કર્યા હતા.

(1:01 pm IST)