Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ભાઇચારાનો સંદેશ આપશે રામ મંદિર ટ્રસ્ટઃ પીએમ મોદી ખુદ કરી શકે છે શિલાન્યાસ

ટ્રસ્ટના સભ્યપદે જાણીતી મુસ્લિમ હસ્તીને લેવાશે

નવી દિલ્હી તા. ૧૧ :  અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે રચાનાર ટ્રસ્ટ વડા પ્રધાન મોદીની ઇચ્છાને અનુરૂપ ભારતીયતા અને ભાઇચારાનો સંદેશ લાવનારૃં હશે. ટ્રસ્ટના સભ્ય તરીકે પ્રખ્યાત મુસ્લિમ હસ્તીની તપાસ શરૂ થઇ ગઇ છે. બાબરી ધ્વંસ પછી અયોધ્યા ન જનાર વડાપ્રધાન મોદી પોતે મંદિરનો શિલાન્યાસ કરી શકે છે. સુપ્રીમના આદેશથી બનનાર ટ્રસ્ટ સોમનાથ મંદિર ટ્રસ્ટ (૬ સભ્યો) ની જેમ જ કામ કરશે. જો કે આ તેનાથી ઘણું મોટું હશે. ગૃહપ્રધાન અથવા પ્રવાસન પ્રધાનને તેના પ્રમુખ બનાવી શકાય છે અને તેના સભ્યોની સંખ્યા ર૦ થી વધરે હોઇ શકે છે. ટ્રસ્ટમાં રામ જન્મભૂમિ ન્યાસને પ્રાથમિકતા અપાશે.

ટ્રસ્ટમાં નિર્મોહી અખાડા સહિત સામાજીક ક્ષેત્રની વિખ્યાત હસ્તીઓને સામેલ કરવા અંગે વિચારણા શરૂ થઇ ગઇ છે. બિન વિવાદીત વ્યકિતત્વને ટ્રસ્ટમાં સામેલ કરવામાં આવશે. એક સીનીયર પ્રધાન અનુસાર, વડાપ્રધાનની ઇચ્છા છે કે રામ મંદિર નિર્માણની પ્રક્રિયામાં કયાંય પણ કટુતા ન જોવા મળે અને દુનિયાને એવો સંદેશ મળે કે મંદિર નિર્માણ બધા સમાજ અને આખો દેશની ઇચ્છાથી થઇ રહ્યું છે. આ જ કારણે એવા વ્યકિતત્વોને સામેલ કરવાની મથામણ થઇ રહી છે જેમની પોત પોતાના ક્ષેત્રમાં પ્રતિષ્ઠા હોય, અને તે વ્યકિત બિન વિવાદીત હોય.

મંદિર નિર્માણ માટે અધિગ્રહણ કરાયેલ ૬૭ એકર જમીનનો ઉપયોગ થશે. મુખ્ય મંદિરનું નિર્માણ ર.૭૭ એકરમાં થઇ જશે, બાકી વધેલ જગ્યા ર અન્ય પ્રકારના નિર્માણ માટેની ડીઝાઇન તૈયાર કરાશે. સરકારનો પ્રયત્ન રામનવમી અથવા તેના પહેલા મંદિર નિર્માણ કાર્ય શરૂ કરાવવાનો હશે.

પ્રવાસન મંત્રાલયે તેને સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી મૂર્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ મોટા પર્યટન સ્થળરૂપે વિકસીત કરવાની તૈયારીઓ કરી છે. તેના હેઠળ રામ મંદિર સુધી પહોંચવા માટે રેલ્વે, રોડ, હવાઇ અવર   જવરના વ્યવસ્થિત પ્રબંધ માટેનો રોડ મેપ પણ તૈયાર કરાઇ રહ્યો છે. આ ઉપરાંત અયોધ્યાના આધારભૂત વિકાસ માટે પણ ટૂંક સમયમાં ભવ્ય રોડ મેપ તૈયાર કરવામાં આવશે.

અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી સ્વામી જીતેન્દ્રનંદ સરસ્વતીએ કહયું કે રામ મંદિરનું નિર્માણ રાષ્ટ્ર મંદિરના નિર્માણની દિશામાં સાર્થક પહેલ બન્ને એવો મંદિરના પણમાં સર્વસંમત ફેંસલો છે. આ દેશ રામ-રહીમની પરંપરા વાળો દેશ છે. એટલે નિર્માણ સમિતિમાં ભારતીયતાથી ઝલક દેખાવી જ જોઇએ. જો કે મંદિરમાં પૂજા સનાતન પરંપરા અનુસાર જ થશે.

(11:46 am IST)