Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ઓરિસ્સા બાદ બંગાળમાં બુલબુલ વાવાઝોડું ત્રાટક્યુ : ૧૦ મોત થયા

પ્રચંડ પવનની ગતિ, વરસાદ સાથે વાવાઝોડુ ત્રાટકતા જનજીવન ઠપ : બચાવ અને રાહત કામગીરીના સંદર્ભમાં મોદી તેમજ અમિત શાહની મમતા બેનર્જી સાથે વાતચીત : તમામ મદદની ખાતરી : લાખો લોકોને ખસેડી લેવાયા

ભુવનેશ્વર, તા. ૧૦ : ચક્રવાતી તોફાન બુલબુલના કારણે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં અતિભારે વરસાદ થતાં ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. સાથે સાથે ભારે વરસાદ અને તોફાન સાથે સંબંધિત બનાવોમાં ૧૦થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. એક લાખથી પણ વધુ લોકોને નિચાણવાળા દરિયાકાંઠાના ગામોમાંથી સુરક્ષિતરીતે ખસેડવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને ચક્રવાતી બુલબુલ વાવાઝોડાએ પાર કર્યું ત્યારે પવનની ગતિ ૧૧૦થી ૧૨૦ કિલોમીટર પ્રતિકલાકની રહી હતી જ્યારે બાંગ્લાદેશમાં આગળ વધી ગયા બાદ તેની ગતિ ૧૨૦ કિલોમીટરથી વધુની ઝડપથી જોવા મળી હતી. બુલબુલ વાવાઝોડાના કારણે પહેલાથી જ તંત્ર દ્વારા હાઈએસ્ટ એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી. આના પરિણામ સ્વરુપે ભારે વરસાદ થયો છે. સાથે સાથે દરિયાકાંઠાના જિલ્લાઓમાં સાત ફુટ જેટલા ઉંચા મોજાઓ ઉછળ્યા છે.

                   બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અલગ અલગરીતે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે વાતચીત કરી હતી અને બુલબુલ વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત ઓપરેશનમાં કેન્દ્ર સરકાર તરફથી તમામ સંભવિત મદદ કરવાની ખાતરી આપી હતી. આશરે ૫૫૦૦૦થી વધુ કર્મચારીઓને વાવાઝોડાના સંદર્ભમાં એલર્ટ કરવા રોકવામાં આવ્યા હતા. આજે પણ ભારે વરસાદ જારી રહ્યો હતો. શનિવારના દિવસે શરૂ થયેલા વરસાદ બાદ આજે પણ ભારે વરસાદ જારી રહ્યો હતો. સરકાર દ્વારા ૧૬ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો તૈનાત કરી છે. ૧૨૧૫ રસોડાની શરૂઆત કરી છે. રાહત અને બચાવ કામગીરી માટે ૯૪ બોટ રોકવામાં આવી છે જ્યારે અસરગ્રસ્ત લોકોને ૨.૪૦ લાખ જેટલા પાણીના પાઉચ મોકલવામાં આવ્યા છે. લાખો લોકોને સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે. બચાવ અને રાહત કામગીરી હજુ જારી રહી શકે છે.

                  બીજી બાજુ બંગાળની સાથે સાથે ઓરિસ્સામાં પણ વાવાઝોડાએ હાહાકાર મચાવી દીધો છે. વાવાઝોડા બુલબુલથી ઓરિસ્સામાં બાલેશ્વર જિલ્લામાં સેંકડો લોકોને રાહત કેમ્પમાં રાખવામાં આવ્યા છે. ઓરિસ્સામાં ૨૦ ટીમો તૈનાત કરવામાં આવી છે. શનિવારના દિવસે બાંગ્લાદેશમાં ત્રાટકા પહેલા બંગાળ અને ઓરિસ્સામાં આની માઠી અસર રહી હતી. બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે. આજે પૂર્વીય રાજ્યમાં પરિસ્થિતિની મોદીએ પણ સમીક્ષા કરી હતી અને ટેલિફોન ઉપર વાત કરી હતી. શક્તિશાળી ચક્રવાત તોફાન બુલબુલે ઓરિસ્સાના દરિયાકાંઠે સ્થિત ભદ્રક જિલ્લામાં ગઇકાલે ભારે નુકસાન પહોંચાડી દીધું હતું. ઓરિસ્સા અને બંગાળમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં તીવ્ર પવનની સાથે સાથે ભાર વરસાદ થયો હતો.

                   જેના લીધે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. માર્ગ સંપર્ક પણ ખોરવાઈ ગયો હતો. ભારે વરસાદના લીધે વૃક્ષો ધરાશાયી થઈ જતા રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા. બુલબુલ તોફાનને ધ્યાનમાં લઈને તમામ ઈમરજન્સી સંબંધિત એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી હતી. શરૂઆતમાં ખૂબ્ ઝડપથી આવનાર આ તોફાનની ગતિ હવે ધીમી પડનાર છે પરંતુ તેનાથી અસર દેખાઈ રહી હતી. ઓરિસ્સામાં લોકોને બુલબુલથી બચાવી લેવા માટે ઓરિસ્સા ડિઝાસ્ટર રેપિડેકશન ફોર્સની ટીમો તૈનાત કરી દેવામાં આવી હતી. ભદ્રક જિલ્લામાં કાલીભાંજા ડીહા દ્વિપની પાસે નૌકા ડુબી જવાથી આઠ માછીમારો ફસાઈ ગયા હતા. રેપિડ એકશન ફોર્સ અને સ્થાનિક માછીમારોની મદદથી આ આઠ માછીમારોને બચાવી લેવાયા હતા. બુલબુલ વાવાઝોડાના કારણે બંગાળમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. વિજળી વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે. પુરવઠો ખોરવાઈ જતાં લોકોને માઠી અસર થઇ છે.

(12:00 am IST)