Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

INX કેસ : EDએ કાર્તિ ચિદમ્બરમની ૫૪ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી

સંપત્તિમાં નવી દિલ્હીના જોર બાગ, ઉટી અને કોડાઇકેનાલમાં સ્થિત બંગલો, યુકેમાં સ્થિત આવાસ અને બાર્સિલોનામાં સ્થિત એક મિલકત પણ સામેલ

નવી દિલ્હી તા. ૧૧ : INX મીડિયા કેસમાં કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને મોટો ઝટકો લાગ્યો છે. ઇડીએ આઇએનએકસ મીડિયા કેસમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી.ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની લગભગ ૫૪ કરોડ રૂપિયાની સંપત્તિ અને બેંકમાં જમા કરાયેલ રકમ કબજે કરી છે. સંપત્ત્િ।માં નવી દિલ્હીના જોર બાગ, ઉટી અને કોડાઇકેનાલમાં સ્થિત બંગલો, યુકેમાં સ્થિત આવાસ અને બાર્સિલોનામાં સ્થિત એક મિલકત પણ સામેલ છે.

આઈએનએકસ મીડિયા કેસમાં આરોપ છે કે ૨૦૦૭માં વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડે આઇએનએકસ મીડિયાને વિદેશથી ૩૦૫ કરોડ રૂપિયાની રકમ પ્રાપ્ત કરવા માટે મંજૂરી આપવામાં ગેરરીતિ આચરવામાં આવી હતી. આ સમયે કાર્તિના પિતા પી.ચિદમ્બરમ કેન્દ્રિય નાણાં પ્રધાન હતા. સીબીઆઇએ શરૂઆતમાં આરોપ મૂકયો હતો કે કાર્તિએ આઇએનએકસ મીડિયાને વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડ પાસેથી મંજૂરી અપાવવા માટે દસ લાખ રૂપિયાના લાંચ લીધી હતી. ત્યારબાદ પાછળથી તેણે આ આંકડામાં પરિવર્તન કરી તેને ૧૦ લાખ અમેરિકન ડોલર જણાવ્યું હતું.

આ અગાઉ દિલ્હીની એક કોર્ટે સીબીઆઈ અને ઇડી દ્વારા દાખલ એરસેલ-મેકિસસ કેસમાં સોમવારે પૂર્વ કેન્દ્રના પ્રધાન પી.ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના ધરપકડ અટકાવવા માટેનો સમય એક નવેમ્બર સુધી વધાર્યો છે. ખાસ સીબીઆઇ જજ ઓ.પી.સૈનીએ કેસની આગામી સુનાવણી માટે એક નવેમ્બરે તારીખ નક્કી ત્યારે કરી જયારે સીબીઆઇ અને ઇડીની તરફેણમાં રજૂ કરાયેલા વકીલોએ આ કેસમાં સ્ટેની માંગ કરી હતી.

સીબીઆઈના વકીલ એએસજી તુષાર મહેતા અને ઇડીના વકીલ નિતેશ રાણાએ અદાલતને જણાવ્યું હતું કે ચિદમ્બરમના વકીલો પી.કે.દુબે અને અર્શદીપ સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર વિસ્તૃત જવાબ દાખલ કરવા અને તેના પર ચર્ચા કરવા માટે એજન્સીઓને સમયની જરૂર છે. ગત ૧૯ જુલાઈના રોજ સીબીઆઈ તરફથી દાખલ કરવામાં આવેલા ચાર્જશીટમાં ચિદમ્બરમ અને તેમના પુત્રના નામનો સમાવેશ કરાયો હતો. 

વાસ્તવમાં, સીબીઆઇ આ બાબતની તપાસ કરી રહી છે કે ૨૦૦૬માં નાણાં પ્રધાનના પદ પર રહીને ચિદમ્બરમે કેવી રીતે એક વિદેશી કંપનીને વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડ (એફઆઈપીબી)ની મંજૂરી અપાવી, કારણ કે માત્ર આર્થિક બાબતોની સમિતિ પાસે આ અધિકાર હતો. ૩,૫૦૦ કરોડ રૂપિયાના એરસેલ-મેકિસસ કરાર અને ૩૦૫ કરોડ રૂપિયાના INX મીડિયા કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમની શું ભૂમિકા હતી તે તપાસ એજન્સીઓ શોધી રહી છે.(૨૧.૨૩)

(3:57 pm IST)