Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

અમેરિકામાં ૯/૧૧ હુમલાને યાદ કરાયા : મૃતકોને અંજલિ

૧૧ મી સપ્ટેમ્બર ર૦૦૧ના દિવસે હુમલો થયો : દુનિયાના ઇતિહાસમાં સૌથી વિનાશકારી હુમલાઓના ભાગરૂપે ચાર પેસેન્જર વિમાનોનું અપહરણ કરાયું હતું

વોશિંગ્ટન, તા. ૧૧: ૧૧મી સપ્ટેમ્બર ૨૦૦૧ના દિવસે અમેરિકામાં કરવામાં આવેલા ભીષણ હુમલાને ૧૭ વર્ષનો ગાળો થઇ ગયો છે પરંતુ અમેરિકાએ લીધેલા પગલાના પરિણામ સ્વરુપે આ ૧૭  વર્ષના ગાળામાં અમેરિકામાં અન્ય કોઇ આતંકવાદી હુમલો થઇ શક્યો નથી પરંતુ વિશ્વના ઇતિહાસમાં ૧૧મી સપ્ટેમ્બર ૨૦૦૧ના દિવસે કરાયેલા હુમલાને સૌથી વિનાશકારી હુમલા તરીકે જોવામાં આવે છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ દુનિયામાં સૌથી વધારે મોત આ હુમલામાં થયા હતા. આજે આ હુમલાની ૧૭મી વરસીએ આ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ખતરનાક ત્રાસવાદી સંગઠન અલકાયદા દ્વારા આ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો. ઇસ્લામિક ત્રાસવાદી સંગઠન અલકાયદાએ અમેરિકામાં હુમલો કરીને વિશ્વભરમાં ખળભળાટ મચાવી દીધો હતો. સત્તાવારરીતે આ હુમલામાં ૨૯૯૬ લોકોના મોત થયા હતા અને ૬૦૦૦ લોકો ઘાયલ થયા હતા.

આ હુમલાના લીધે અમેરિકા જેવું શક્તિશાળી દેશ હચમચી ઉઠ્યું હતું અને પ્રોપર્ટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ૧૦ અબજ ડોલરનું નુકસાન થયું હતું. કુલ નુકસાનનો આંકડો ત્રણ ટ્રિલિયન ડોલરની આસપાસનો રહ્યો હતો. ચાર પેસેન્જર વિમાનોનું અપહરણ કરવામાં આવ્યું હતું. યુનાઇટેડ એરલાઈન્સ અને અમેરિકન એરલાઈન્સના ચાર વિમાનોનું અપહરણ કરવામાં આવ્યું હતું.

૧૯ ત્રાસવાદીઓ દ્વારા આ વિમાનોનું અપહરણ કરાયું હતું જે પૈકી બે વિમાનો અમેરિકન એરલાઈન્સ ફ્લાઇટ ૧૧ અને યુનાઇટેડની ફ્લાઇટ ૧૭૫ને વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નોર્થ અને સાઉથ ટાવર સાથે ટકરાવવામાં આવ્યા હતા. એક કલાક અને ૪૨ મિનિટના ગાળામાં બંને ૧૧૦ માળના ટાવર પત્તાના મહેલની જેમ ધરાશાયી થયા હતા અને કાટમાળમાં ફેરવાઈ ગયા હતા.

વર્લ્ડ ટ્રેડ સેન્ટર સંકુલમાં તમામ અન્ય ઇમારતો પણ ધરાશાયી થઇ હતી. ૪૭ માળના સાત વર્લ્ડ ટ્રેડ સેન્ટર ટાવરને ભારે નુકસાન થયું હતું. ત્રીજુ વિમાન જે અમેરિકન એરલાઈન્સનું ૭૭ હતુ તેને પેન્ટાગોનમાં ટકરાવવામાં આવ્યું હતું જેના લીધે પશ્ચિમી બાજુમાં ઇમારતને આંશિક નુકસાન થયું હતું. ચોથુ વિમાન જે યુનાઇટેડ એરલાઈન્સનું નંબર ૯૩ હતુ તેને વોશિંગ્ટનડીસીમાં ટકરાવવાની યોજના હતી પરંતુ આ વિમાન સ્ટોનીક્રેક ટાઉનશીપ નજીક ખુલ્લા મેદાનમાં તુટી પડ્યું હતું. કારણ કે વિમાનમાં રહેલા યાત્રીઓએ અપહરણકારો સાથે ઝપાઝપી કરી હતી.  જેના લીધે આ વિમાન ખુલ્લામાં પડી ગયું હતું. અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટી ફાયરબ્રિગેડ અને લો એન્ફોર્સમેન્ટ અધિકારીઓની કવાયત ત્યારબાદ હાથ ધરાઈ હતી. આમા ૩૪૩ ફાઇયર ફાઇટર અને ૭૨ લો એન્ફોર્સમેન્ટ અધિકારીઓના પણ મોત થયા હતા.

૧૯ આત્મધાતી હાઇજેકર અમેરિકા પર હુમલો કરનાર

અમેરિકન એર લાઈન્સ ફ્લાઈટ ૧૧

૧.      અલ શહેરી વાલીદ અમ (સાઉદી)

૨.      મોહંમદ અટ્ટા (ઇજિપ્તિયન)

૩.      વેલ અલ શહરી (સાઉદી)

૪.      અલ ઓમારી અબ્દુલ અજીજ (સાઉદી)

૫.      અલ સુકામી સાતમ (સાઉદી)

યુનાઇડેટ એર લાઈન્સ ફ્લાઈટ ૧૭૫

૧.      મારવાન અલ શેહી (સંયુક્ત અરબ અમિરાત)

૨.      અબમગ અલ ગમદી (સાઉદી)

૩.      મહંમદ અલ શહરી (સાઉદી)

૪.      હમ્જા અલ ગમ્દી (સાઉદી)

૫.      ફાઅજ અહમદ (સંયુક્ત અરબ અમિરાત)

અમેરિકન એર લાઈન્સ ફ્લાઈટ ૭૭

૧.      હની હંજોર (સાઉદી)

૨.      ખાલિદ અલ મિહધાર (સાઉદી)

૩.      માજિદ મોકેદ (સાઉદી)

૪.      નવાફ અલ હઝમી (સાઉદી)

૫.      સાલેમ અલ હઝમી (સાઉદી)

યુનાઈટેડ એર લાઈન્સ ફ્લાઈટ ૯૩

૧.      ઝીયાદ જરા (લેબની)

૨.      અહેમદ અલ હજનાવી (સાઉદી)

૩.      અહેમદ અલ નામી (સાઉદી)

૪.      સઇદ અલ ઘમદી (સાઉદી)

૯/૧ પ્રોફાઇલ...

સ્થળ              :   ન્યૂયોર્ક શહેર, અર્લિનટોન,

                       વર્ઝિનિયા, પેનિસેલ્વેનિયા

હુમલાની તારીખ  :   ૧૧મી સપ્ટેમ્બર ૨૦૦૧

હુમલાનો સમય   :   ૮.૪૬-૧૦.૨૮

                       (સ્થાનિક સવારનો સમય)

હુમલાનો પ્રકાર   :   વિમાનોનું અપહરણ, આત્મઘાત

                       હુમલો, આતંકવાદ

મોતનો આંકડો    :   ૩,૦૦૦

માર્યા ગયેલા હુમલાખોરો :        ૧૯ હાઈજેકર્સ

ઘાયલોની સંખયા :   ૬,૦૦૦થી વધુ

આતંકવાદી સંગઠન   :  અલકાયદા

માસ્ટર માઈન્ડ    :   ઓસામા બિન લાદેન

(3:29 pm IST)