Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

મોંઘા પેટ્રોલથી પ્રજાનાં ગજવા કપાયાઃ રાજયોની તિજોરી છલકાઇ

૪ વર્ષમાં રાજયોને થઇ રૂ.૯.૪૫ લાખ કરોડની કમાણીઃ કેન્દ્રને મળ્યા ૪.૩૫ લાખ કરોડ

નવીદિલ્હી તા.૧૧: પેટ્રોલ અને ડીઝલની છુટક કિંમતોમાં વધારા પર દેશમાં થઇ રહેલી રાજનીતિ એવી છે કે પ્રજાને રાહત આપવા કોઇ તૈયાર નથી. ચૂંટણી નજીક આવતી જોઇને રાજસ્થાન અને આંધ્ર પ્રદેશ સરકારોએ રાજય તરફથી લગાવાતા કરમાં થોડોક કાપ મુકયો છે. વિરોધપક્ષો કેન્દ્ર સરકારને ઘેરી રહયા છે. જો કે પેટ્રોલ-ડીઝલનું ગણિત જણાવે છે કે રાજયો એ જ આ દિશામાં પહેલ કરવી પડશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડનો ભાવ જેટલો વધે તેટલી જ રાજયોની કમાણી વધી રહી છે. છેલ્લા ચાર નાણાકિય વર્ષમાં પેટ્રોલ-ડીઝલ પરના સ્થાનિક અને કેન્દ્રીય કરમાં ભાગીદારીથી રાજયોને ૯,૪૫,૨૫૮ કરોડની કમાણી થઇ છે.

પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થવાથી રાજયોને બેવડો ફાયદો થાય છે. એક બાજુ તે સીધો કર વસુલે છે જયારે બીજી બાજુ કેન્દ્ર સરકાર જે કર વસુલે છે તેના પણ ૪૨ ટકા તેને મળે છે. જો પેટ્રોલીયમ મંત્રાલયના આંકડાઓ પર ધ્યાન આપવામાં આવે તો ૨૦૧૪-૧૫ થી ૨૦૧૭-૧૮ દરમ્યાન રાજયોને ૮,૪૫,૨૫૮ કરોડ રૂપિયા મળ્યા હતા. તેમને સીધા કર રૂપે ૬,૩૦,૪૭૪ કરોડ રૂપિયા મળ્યા હતા જયારે કેન્દ્રને મળેલા ૭,૪૯,૪૮૫ કરોડ રૂપિયા ૪૨ ટકા એટલે કે ૩,૧૪,૭૮૪ કરોડ રૂપિયાનો ભાગ પણ તેમને મળ્યો હતો. આટલી મોટી કમાણી છતાં પણ મોટાભાગનાં રાજયો પેટ્રોલ-ડીઝલ પર કર ઘટાડવા તૈયાર નથી. ચૂંટણી માથે આવતી જોઇને રાજસ્થાન અને આંધ્રપ્રદેશની સરકારોએ છેલ્લા બે દિવસોમાં વેટ ઘટાડીને જનતાને થોડીક રાહત આપી છે. તેના સિવાય છેલ્લા ચાર વર્ષોમાં ફકત ચાર રાજયોએ આવા પગલા લીધા છે.

જો ખાલી દિલ્હીની જ વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમત સોમવારે ૨૩ પૈસાના વધારા પછી ૮૦.૭૩ રૂપિયા પ્રતિલીટર થઇ હતી. ઇન્ડિયન ઓઇલના આંકડા પ્રમાણે કંપનીની રિફાઇનરીથી પેટ્રોલપંપ ડીલરને દિલ્હીમાં ૪૭.૪૫ રૂપિયા પ્રતિલીટરના ભાવથી પેટ્રોલ અપાયું હતું. તેના પર ૧૯.૪૮ રૂપિયા પ્રતિલીટરના દરે કેન્દ્ર સરકારે વસુલ્યા હતા. કેન્દ્ર સરકાર તેના ૪૨% એટલે કે ૮.૧૮ રૂપિયા દિલ્હીને આપશે. રાજય સરકાર તરફથી તેના પર ૧૭.૧૬ રૂપિયા પ્રતિલીટર વેટ વસુલ કરાયો છે. એટલે કરના રૂપમાં વસુલાએલ કુલ ૩૬.૩૪ રૂપિયામાં ૨૫.૩૪ રૂપિયા દિલ્હીના ખાતામાં જશે અને કેન્દ્રના ખાતામાં ૧૧.૦૩ રૂપિયા. કેન્દ્ર અને રાજયો વચ્ચે કરની વહેંચણી માસિક આધાર પર કરવામાં આવે છે.

વધતી કમાણી

* ૨૦૧૫-૧૬ ક્રુડનો સરેરાશ ભાવ ૪૬ ડોલર હતો ત્યારે રાજયોની કમાણી ૨,૧૭,૮૫૬ કરોડ થઇ હતી.

* ૨૦૧૭-૧૮ માં ક્રુડની કિંમત ૫૬ ડોલર થતા રાજયોની કમાણી ૨,૮૦,૨૭૮ કરોડ થઇ ગઇ.

* ચાલુ વર્ષે પહેલા પાંચ મહિનામાં ક્રુડની સરેરાશ કિંમત ૭૨.૮ ડોલર થઇ હોવાથી રાજયોની કમાણીમાં ઘણો વધારો થવાની શકયતા છે.(૧.૪)

(11:37 am IST)