Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

બેંકોના ગંજાવર NPA માટે UPA સરકાર જવાબદાર

રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો ધડાકો : ગોટાળાઓની તપાસ અને યુપીએ સરકારની નીતિગત પંગુતાને કારણે બેંકોનું ડુબેલું લેણુ વધતું ગયું : બેંકોએ આડેધડ લોનો આપી હતી : રાજને UPA સરકાર ઉપર NPAનું ઠીકરૂ ફોડતા કોંગ્રેસની મુશ્કેલી વધશે

નવી દિલ્હી તા. ૧૧ : આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને બેન્કોની વધતી એનપીએ માટે સસંદની એક સમિતિને પોતાનો જવાબ લખી મોકલાવ્યો હતો. તેમણે પોતાના જવાબ આપવા દરમિયાન બેન્કોને એનપીએ માટે યુપીએ સરકારને જવાબદાર ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગોટાળાઓની તપાસમાં થતા વિલંબ અને લંબાતી જતી પ્રક્રિયાના કારણે સરકારનીનિર્ણય લેવાની ક્ષમતા પણ નબળી પડી ગઈ હતી. તેના કારણે બેન્કોનું એનપીએ વધવા લાગ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, મુરલી મનોહર જોશીની અધ્યક્ષતા ધરાવતી સંસદી સમિતિએ રઘુરામ રાજનને પત્ર લખીને હાજર રહેવા અને એનપીએ મુદ્દે ખુલાસા કરવા જાણ કરી હતી. આ સંદર્ભે જ રાજને જણાવ્યું હતું કે, બેન્કો દ્વારા મોટી લોન આપવા અંગે યોગ્ય કામગીરી કરવામાં આવી નહોતી અને ૨૦૦૬ પછી વિકાસની ગતિ ધીમી પડી ગઈ હતી. તેના પગલે જ બેન્કોનો વિકાસ સૂચકાંક હતો તે ડામાડોળ થઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર (સીઈ) અરવિંદ સુબ્રમણ્યમે એનપીએ સંકટને ઓળખવામાં અને તેનો ઉકેલ લાવવાના પ્રયાસ કરવા મુદ્દે રાજનના વખાણ કર્યા હતા. સુબ્રમણ્યમે ત્યારે જણાવ્યું હતું કે, આ સમસ્યા શોધવાનો અને તેને યોગ્ય રીતે જાણવાનો શ્રેય પૂર્વ ગવર્નર રઘુરામ રાજનને જાય છે. તેમના કરતાં વધારે સારી રીતે કોઈ જાણી શકે તેમ નહોતું કે દેશમાં એનપીએની સંખ્યા કેટલી થઈ છે અને કેટલે સુધી પહોંચી શકે છે. સુબ્રમણ્યમે એમ પણ જણાવ્યું હતું કે, પોતાના કાર્યકાળમાં જ રાજને આ સમસ્યાનો ઉકેલ લાવવાની મહત્ત્વપૂર્ણ પહેલ કરી હતી. તેના પગલે જ જોશીએ પત્ર લખીને રાજનને આ મુદ્દે સ્પષ્ટતા કરવા અને માર્ગદર્શન આપવા જણાવ્યું હતું.

(3:27 pm IST)