Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

ભારત બંધ : દેશના ઘણા ભાગમાં હિંસક દેખાવ, બાળકીનું મોત થયું

બિહારમાં સૌથી વધારે અસર રહી : ટ્રેનો રોકાઈ, ચક્કાજામ : રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં રામલીલા મેદાનમાં આયોજિત રેલીમાં રાહુલ, સોનિયા ગાંધી, મનમોહનસિંહ, અન્ય પક્ષોના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા

નવી દિલ્હી,તા. ૧૦ : પેટ્રોલ અને ડીઝલની સતત વધતી જતી કિંમતો સામેના વિરોધમાં આજે કોંગ્રેસના નેતૃત્વમાં ૨૧ વિરોધ પક્ષો દ્વારા ભારત બંધની હાકલ કરવામાં આવી હતી. ભારત બંધનુ એલાન કરવામાં આવ્યા બાદ સવારથી જ તેની અસર દેખાવવા લાગી હતી. કેટલાક રાજ્યોમાં બંધને જોરદાર પ્રતિસાદ સાંપડ્યો હતો. બિહારના જેહાનાબાદમાં ભારત બંધના પરિણામ સ્વરુપે ભીષણ ટ્રાફિકજામમાં ફસાઈ જવાના કારણે બે વર્ષની માસુમ બાળકીનું મોત થઇ ગયું હતું. બાળકીની સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહી હતી પરંતુ તે ટ્રાફિકજામમાં ફસાઈ ગઈ હતી. જામ ન ખુલતા બાળકીનું અધવચ્ચે રસ્તામાં જ મોત થયું હતું. જો કે, જેહાનાબાદના એસડીઓનું કહેવું છે કે, પરિવારના સભ્યો બાળકીને મોડેથી લઇને નિકળ્યા હતા. ભારત બંધ દરમિયાન બિહારમાં હિંસક પ્રદર્શન થયા હતા. વિપક્ષી દળોએ ચક્કાજામ કર્યા હતા. ટ્રેનો રોકી હતી. પટણા સહિતના વિસ્તારોમાં વિરોધ પક્ષોએ હિંસક દેખાવો કર્યા હતા. અનેક જગ્યાઓએ વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. પટણામાં રાજેન્દ્રનગર ટર્મિનસની બહાર બસમાં તોડફોડ કરવામાં આવી હતી. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મનમોહનસિંહ સહિતના કોંગ્રેસી નેતા દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. એનસીપીના નેતા શરદ પવાર અને પ્રફુલ પટેલ, શરદ યાદવ પણ હાજર રહ્યા હતા. બંધ દરમિયાન દુકાનો અને વેપારી પેઢી બંધ રહી હતી. સ્કુલ અને કોલેજમાં હાજરી પણ ઓછી રહી હતી. જ્યારે કેટલાક રાજ્યોમાં આની મિશ્ર અસર રહી હતી. કોંગ્રેસના નેતૃત્વમાં ૨૧ પાર્ટી દ્વારા ભારત બંધનુ એલાન કરવામાં આવ્યુ હતુ. દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો તેમજ અન્ય પાર્ટીના લોકોએ રાજઘાટથી રામલીલા મેદાન ખાતે મોરચા કર્યા હતા.રાજઘાટથી લઇને રામ રામલીલા મેદાન ખાતે કુચ યોજવામાં આવી હતી. રાહુલ ગાંધી રાજઘાટ ખાતે પહોંચ્યા હતા. પટણાથી પ્રાપ્ત અહેવાલ મુજ બિહારમાં જન અધિકાર પાર્ટીના કાર્યકરોએ પટણાના રાજેન્દ્રનગર ટર્મિનલ રેલવે સ્ટેશન ખાતે ટ્રાફિક જામની સ્થિતી સર્જી હતી. ટ્રેક પર બેસી જઇને દેખાવો કરવામાં આવ્યા હતા. તમિળનાડુથી કર્ણાટક માટે બસ સેવાને હોસુરમાં રોકવામાં આવી હતી. દિલ્હીમાં કેટલાક જારો ખુલ્લા પણ રહ્યા હતા. જેમાં ચાંદની ચોક સહિતના મુખ્ય બજારોનો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળ સહિતના કેટલાક રાજ્યોમાં બંધની નહીંવત અસર દેખાઇ હતી. પેટ્રોલ અને ડિઝલની વધતી જતી કિંમતોની સામે વિરોધ પ્રદર્શન કરીને સ્થિતી તંગ બનાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. ભાજપના સાથી પક્ષ શિવ સેનાએ પહેલા ભારત બંધને સમર્થન આપવાની જાહેરાત કરી હતી પરંતુ છેલ્લી ઘડીએ બંધને સમર્થન પરત લઇ લીધુ હતુ. બિહારના જેહાનાબાદમાં રેલવે ટ્રેક પર આગ લગાવી દેવામાં આવી હતી. બંધને ધ્યાનમાં લઇને તમામ રાજ્યોમાં સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા હતા. મજબુત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી.કોંગ્રેસ પાર્ટીએ આક્ષેપ કરતા કહ્યુ છે કે અગાઉની યુપીએ સરકાર વેળા પેટ્રોલ ડીઢલના જે ભાવ હતા તેની સામે આજે ખુબ ઉંચા ભાવ થઇ ગયા છે. કર્ણાટકમાં શાસક જનતા દળ સેક્યુલરે રાષ્ટ્રવ્યાપી બંધને ટેકો આપવાની પહેલાથી જ જાહેરાત કરી હતી જેમાં તેના લોકો આજે બંધમાં જોડાયા હતા.કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યુ છે કે  પેટ્રોલમાં ૨૦૧૪ની સરખામણીએ ૨૧૧.૭ ટકા એક્સાઇઝ વધારવામાં આવી છે. તો ડીઝલ પર ૪૪૩.૦૬ ટકા એક્સાઇઝ વધારવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષમાં એક્સાઇઝ ડ્યુટીમાં ૧૨ વખત વધારો કરવામાં આવ્યો છે. ૨૦૧૪માં એક્સાઇઝ ડ્યુટી ૯.૨ રૂપિયા પ્રતિ લીટર હતી. ૨૦૧૮માં એક્સાઇઝ ડ્યુટી ૧૯.૪૮ રૂપિયા પ્રતિ લીટર છે. યુપીએની સરકાર સમયે ૧૬ મેને ૨૦૧૪ના ભાવ ૧૦૭ ડોલર પ્રતિ બેરલ હતો જ્યારે આજે ૭૩ ડોલર ભાવ છે. ત્યારે કોંગ્રેસના સમયમાં પેટ્રોલના ભાવ ૭૧.૦૯ હતા અને ભાજપની સરકારમાં ૭૯.૫૧ રૂપિયે પહોંચ્યા છે. કર્ણાટક સહિતના રાજ્યોમાં  બંધને જોરદાર પ્રતિસાદ મળ્યો છે.  કન્નડ તરફી સંસ્થાઓ, ટ્રેડ યુનિયનો, બસ, ટેક્સી અને ઓટો રિક્ષા સાથે સંબંધિત એસોસિએશન પણ ભાવ વધારાની સામે ભારત બંધમાં જોડાયા છે. ગુજરાત રાજ્યના ભરૂચમાં દેખાવકારોએ જોરદાર પ્રદર્શન કર્યુ હતુ. ટાયરો સળગાવ્યા હતા. બસ પણ રોકવામાં આવી હતી. પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતની સામે સીપીઆઇ અને સીપીએમ દ્વારાપણ દેખાવ કરવામાં આવ્યા હતા. બંધને લઇને સામાન્ય લોકોને કોઇ તકલીફ ન પડે તે માટેના તમામ પગલા લેવામાં આવ્યા હતા.  

(12:00 am IST)