Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

મુંબઇમાં પ્રગતિ અને પ્રમોશનથી નાખુશ ૪ શખ્‍સો દ્વારા અેચડીઅેફસી બેન્‍કના વાઇસ પ્રેસીડેન્‍ટ સિદ્ધાર્થ સંઘવીની હત્યા

મુંબઈ: છેલ્લા પાંચ દિવસથી ગુમ થયેલા HDFC બેંકના વાઈસ પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ સંઘવીનું શબ સોમવારે કલ્યાણના હાજી મલંગ વિસ્તારમાંથી મળી આવ્યું છે. સિદ્ધાર્થ 5 સપ્ટેમ્બરથી મુંબઈ સ્થિત કમલા મિલ્સ ઓફિસમાંથી ગુમ થયા હતા. પોલીસે સિદ્ધાર્થની હત્યાના આરોપમાં 4 લોકોને કસ્ટડીમાં લીધા છે. જેમાં કેબ ડ્રાઈવર સરફરાઝ શેખ પણ સામેલ છે.

જો કે સિદ્ધાર્થ સંઘવીની હત્યા કેમ કરવામાં આવી તે બાબતે અત્યાર સુધી શંકા હતી. પરંતુ હવે સિદ્ધાર્થની હત્યાના કારણ પરથી પડદો ઊંચક્યો છે કેબ ડ્રાઈવર સરફરાઝ શેખે. સરફરાઝે પોલીસને જણાવ્યું કે, તેને 3 શખ્સોએ હત્યાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. સૂત્રો પ્રમાણે, સરફરાઝે વધુ કંઈ જણાવ્યું નથી પરંતુ ચોક્કસ જણાવ્યું છે કે હત્યાનો કોન્ટ્રાક્ટ આપનારા બે શખ્સો પહેલા HDFCમાં કામ કરી ચૂક્યા છે અને તેઓ સિદ્ધાર્થની પ્રગતિ અને પ્રમોશનથી નાખુશ હતા. જેના કારણે સિદ્ધાર્થની હત્યા કરવા માગતા હતા.

સિદ્ધાર્થનો પરિવાર અને તેના મિત્રો શરૂઆતથી દાવો કરતા આવ્યા છે કે સિદ્ધાર્થ મૃદુભાષી હતો અને તેનો ક્યારેય કોઈ સાથે ઝઘડો થયો નહોતો. એટલે હવે પોલીસ પણ માની રહી છે કે પ્રોફેશનલ દુશ્મની કે ઈર્ષાના કારણે સિદ્ધાર્થની હત્યા થઈ છે. સિદ્ધાર્થના ગુમ થયા બાદ પરિવારના દાવાના કારણે કેસ વધુ ગૂંચવાયો. ગુમ થયાના બીજા દિવસે એટલે કે 6 સપ્ટેમ્બરે સિદ્ધાર્થનો મોબાઈલ કોપરખેરાન વિસ્તારમાં મળ્યો અને પરિવારે દાવો કર્યો કે સિદ્ધાર્થ ક્યારેય તે વિસ્તારમાં નથી ગયો અને ત્યાં કોઈને ઓળખતો પણ નથી. પરિવારે એમ પણ કહ્યું કે, સિદ્ધાર્થને કોઈએ ધમકી આપી નથી હાલમાં કોઈ સાથે ઝઘડો પણ નથી થયો.

પોલીસ સૂત્રોના મતે, સિદ્ધાર્થ પર ઓફિસના પાર્કિંગમાં કોઈ ધારદાર હથિયાર વડે હુમલો થયો હતો. તેના ગુમ થયા બાદ તેનો ફોન ઓફ હતો અને કાર લાવારિસ હાલતમાં નવી મુંબઈમાં મળી હતી. પોલીસ સરફરાઝ શેખને તે સ્થળે લઈ ગયા જ્યાં તેણે સિદ્ધાર્થની ડેડબોડી ફેંકી હતી. પહેલા સરફરાઝે પોલીસને ગેરમાર્ગે દોરી હતી. આખરે સિદ્ધાર્થની ડેડબોડી કલ્યાણના હાજી મલંગ એરિયામાંથી મળી.

પોલીસના મતે, મલબાર હિલમાં રહેતા સિદ્ધાર્થને લોકોએ છેલ્લી વાર બુધવારે સાંજે કમલા મિલ્સ કમ્પાઉન્ડ સ્થિત ઓફિસ પાસે 8.30 વાગ્યે ઘરે જવા માટે નીકળતો જોયો હતો. પરંતુ સિદ્ધાર્થ ઘરે પહોંચ્યો. તપાસ દરમિયાન CCTV ફૂટેજમાં પણ સામે આવ્યું કે સિદ્ધાર્થ સંઘવીની કારમાં 3 લોકો હતા. જ્યારે બિનવારસી હાલતમાં મળી ત્યારે તેમાં લોહીના ધબ્બા હતા.

(5:32 pm IST)