Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

મમતાનાં ગઢમાં ગરજશે અમિત શાહઃ રેલી પૂર્વે પોસ્ટર યુદ્ધ

અમિત શાહની રેલી સામે તૃણમુલ કોંગ્રેસે એનઆરસીના વિરોધમાં રેલી યોજવાની જાહેરાત કરીઃ કોલકત્તામાં અમિત શાહના સ્વાગતના પોસ્ટરો લાગ્યા છે તો બીજી તરફ 'બંગાળી વિરોધી ભાજપ પાછા જાવ'ના લાગ્યા પોસ્ટરો

પશ્ચિમ બંગાળમાં પોસ્ટર વોરઃ કોલકત્તામાં આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ રેલીને સંબોધન કરનાર છે. ત્યારે રેલી સ્થળે ભાજપના પોસ્ટરો વચ્ચે ટીએમસીના કાર્યકર્તાઓએ 'બંગાળ વિરોધી ભાજપ પાછા જાવ'ના બેનરો માર્યા હતા.

કોલકતા, તા. ૧૧ :. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ અને ભાજપ વચ્ચે જોરદાર જંગ ચાલી રહ્યો છે. આજે ભાજપના અધ્યક્ષ અમિત શાહ અહીં જનસભાને સંબોધન કરવાના છે, પરંતુ કોલકતામાં સભા સ્થળ નજીક તૃણમૂલનો રાજકીય વિરોધ જોવા મળી રહ્યો છે. રેલી પૂર્વે બન્ને પક્ષો વચ્ચે પોસ્ટર યુદ્ધ ખેલાયુ છે. અમિત શાહની સભા થવાની છે એ વિસ્તાર અને ત્યાંની આસપાસની શેરી-ગલીઓ માર્ગો પર તૃણમૂલના ઝંડા લગાવવામાં આવ્યા છે. એક તરફ અમિત શાહના સ્વાગતના પોસ્ટરો છે તો બીજી તરફ તૃણમૂલના પોસ્ટર છે જેમા લખાયુ છે કે બંગાળ વિરોધી ભાજપ પાછા જાવ. ભાજપની રેલી માટે મંચ તૈયાર કરવામાં આવી રહ્યો છે ત્યાં પણ તૃણમૂલના ઝંડા જોવા મળી રહ્યા છે તેથી ભ્રમીત થવાય છે કે રેલી ભાજપની છે કે તૃણમૂલની ?

કોલકતામાં મેયો રોડ પર અમિત શાહ રેલી સંબોધવાના છે તો બીજી તરફ તૃણમૂલે એનઆરસીની વિરૂદ્ધમાં રેલી યોજવાનું એલાન કર્યુ છે. જેને કારણે પ.બંગાળ ભાજપે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ અને પ.બંગાળના મુખ્ય સચિવને પત્ર લખી અમિત શાહની રેલીમાં આવતા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગણી કરી છે.

અમિત શાહની રેલી પહેલા ભાજપ અને તૃણમૂલ વચ્ચે જોરદાર પોસ્ટર યુદ્ધ શરૂ થઈ ગયુ છે. અમિત શાહના સ્વાગતના પોસ્ટરોની સાથે સાથે ભાજપ વિરૂદ્ધ બંગાળ વિરોધી ભાજપ પાછા જાવ... તેવા પોસ્ટર લાગ્યા છે. અમિત શાહની રેલી બપોરે યોજાવાની છે. જો કે તૃણમૂલનો દાવો છે કે ૧૫મી ઓગષ્ટની તૈયારીને માટે અમારા પોસ્ટરો અને ઝંડા લગાવવામાં આવ્યા છે.

આજે અમિત શાહ મમતાના ગઢમાં રેલી યોજી ગર્જના કરવાના છે. તેઓ યુવા સ્વાભિમાન સમવેશ રેલીને સંબોધન કરવાના છે. આ રેલીને લઈને ચૂસ્ત સુરક્ષા ગોઠવવામાં આવી છે. ડ્રોનથી રેલી પર નજર રાખવામાં આવશે. મેદીનીપુરમા મોદીની સભામાં પંડાલ તૂટવાની ઘટના બાદ ભાજપ ફુંકી ફુંકીને આગળ વધવા માગે છે.(૨

(11:34 am IST)