Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

અરે વાહ... વર્ષ ૨૦૦૦ બાદ ચોમાસુ સત્રમાં થયું સૌથી વધુ કામ

યાદગાર રહ્યું ચોમાસુ સત્ર : લોકસભાએ ૧૧૮ ટકા તો રાજ્યસભાએ ૭૪ ટકા સમયનો કર્યો ઉપયોગઃ સત્રમાં ૨૦ બિલ રજુ થયાને ૧૮ પાસ થયા : દરેક મામલે મોદી સરકારનો વિજય : અવિશ્વાસ પ્રસ્તાવ મામલે વિપક્ષને ફટકો, ઉપસભાપતિ પદ છીનવી લીધુ, OBC બિલનો માર્ગ મોકળો, SC/SC સંશોધિત બિલ પાસ

નવી દિલ્હી તા. ૧૧ : ટીડીપી દ્વારા સરકાર વિરૂધ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવથી શરૂ થયેલું. ચોમાસુ સત્ર લોકસભામાં કામકાજની દ્રષ્ટિએ ઘણુ સારૂ રહ્યું હતું. વર્ષ ૨૦૦૦ બાદ આ વખતે ચોમાસુ સત્રમાં સૌથી વધુ કામકાજ થયું. આંકડા અનુસાર સત્રમાં ૨૦ બિલ રજુ થયા તેમાંથી ૧૮ પાસ થઇ ગયા. લોકસભામાં નિર્ધારીત સમયથી ૧૦ ટકા વધુ કામ થયું તો રાજ્યસભામાં ૬૬ ટકા કામ થયું. રાજકીય સંગ્રામને ખોટું સાબિત કરી સંસદના બંને ગૃહોએ યાદગાર બનાવ્યું. લોકસભાએ બે દાયકાના રેકોર્ડને પાછળ છોડતા સૌથી વધુ કામકાજ કર્યું. આ સત્રમાં દરેક મુદ્દે મોદી સરકારની જીત થઇ અવિશ્વાસ પ્રસ્તાવ તૂટયો, ઉપસભાપતિ પદ છીનવી લીધુ, ઓબીસી બિલનો માર્ગ મોકળો કર્યો અને SC/ST સંશોધિત બિલ પાસ કર્યું. લોકસભાએ ૧૧૮ ટકા તો રાજ્યસભાએ ૭૪ ટકા સમયનો કર્યો સદ્ઉપયોગ.

સંસદનું મોનસૂન સત્ર શુક્રવારનો રોજ સમાપ્ત થયું. ગત બજેટ સત્રના મુકાબલે આ સત્રમાં કામકાજ ઘણુ સારૂ રહ્યું અને કેન્દ્રની મોદી સરકારનું સૌથી સફળ સત્ર સાબિત થયું. આ સત્રમાં ઘણા મહત્વના વિધેયકોને સંસદમાં મંજૂરી મળી. મોનસૂન સત્રમાં કુલ ૧૮ બેઠક નક્કી કરવામાં આવી હતી, પરંતુ ગુરૂપૂર્ણિમાંના કારણે સંસદ ૧૭ દિવસ ચાલી શકી. એક દિવસ માટે બંને ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.

લોકસભાના સ્પીકરે જણાવ્યું કે બજેટ સત્રની સરખામણીએ આ સત્રમાં સંતોષકારક કામ થયું અને ૧૧૨ કલાક સુધી સદનની કાર્યવાહી ચાલી. સ્પીકરે કહ્યું કે સભાગૃહમાં ૨૦ કલાક ૪૩ મિનિટ સુધી વધારે બેસીને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી, જયારે સુનાવણી મોકુફ અને વિક્ષેપના કારણે ૮ કલાક ૨૬ મિનિટ બરબાદ થયા. જયારે સભાગૃહમાં ૨૨ સરકારી બિલ રજૂ કરવામાં આવ્યાં જેમાં ૨૧ બિલને મંજૂરી આપવામાં આવી.

રાજયસભામાં કુલ ૭૪ ટકા કામકાજ થયું જેમાં ૧૪ વિધેયકોને ઉપરના સદનમાં મંજૂરી મળી. રાજયસભાના સભાપતિ એમ વૈંકેયા નાયડુએ સદનની કાર્યવાહી અનિશ્યિતસમય સુધી સ્થગિત કરતાં પહેલાં જણાવ્યું કે ગત બે સત્રના ગતિરોધને ધ્યાનમાં રાખતા મોનસૂન સત્ર ફરી રદ્દ થવાની ધારણા વચ્ચે સદનમાં કાર્યવાહી થઇ.

સભાપતિએ જણાવ્યું કે ગત સત્રમાં માત્ર ૨૫ ટકા કામ થયુ હતું. સભાપતિએ કહ્યું કે આ સત્રમાં ઉપરના સદનમાં ૧૪ બિલને મંજૂરી મળી જયારે ગત બે સત્રોમાં ૧૦ વિધેયકને મંજૂરી આપવામાં આવી હતી. સત્ર દરમિયાન હંગામાના કારણે ૨૭ કલાક ૪૨ મિનિટ બગડી.

સંસદમાં આ વખતે SC/ST અત્યાચાર નિવારણ સંશોધન બિલને ધ્વનિ મતથી પસાર કરાયું. જયારે સદનમાં સરકાર ચાર વિધયકો પર અધ્યાદેશ લાવી હતી પરંતુ હવે આ વિધેયક અધ્યાદેશની જગ્યા લેશે.

જેમાં મણિપુરમાં સ્પોર્ટસ યૂનિવર્સિટીનું નિર્માણ સાથે જોડાયેલ રાષ્ટ્રિય ખેલકુદ વિશ્વવિદ્યાલય બિલ, ભગોડા આર્થિક અપરાધ બિલ, આપરાધિક કાનૂન (સંશોધન) વિધેયક, હોમ્પોપેથી કેન્દ્રીય પરિષદ (સંશોધન) જેવા વિધેયકને સંસદમાં પસાર કરાયા.

મોનસૂન સત્રમાં મોદી સરકાર વિરૂધ્ધ પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. જો કે આ પ્રસ્તાવ પર ૧૧ કલાક ૪૬ મિનીટ કરાવામાં આવેલી ચર્ચા બાદ મતદાન સમયે પ્રસ્તાવના વિરોધમાં ૩૨૫ મત જયારે સમર્થનમાં ૧૨૬ મત પડ્યા.

આમ મોદી સરકારે સંસદમાં પ્રથમ પોતાની અગ્નિપરીક્ષા સારા માર્કસ સાથે પાસ કરી. આમ મોનસૂન સત્રમાં ઘણા મહત્વના બિલને મંજૂરી આપવામાં આવી. જયારે રાજયસભાને નવા ઉપસભાપતિ મળી ગયા. જેમાં ઉપસભાપતિ તરીકે થયેલા મતદાનમાં એનડીએના ઉમેદવાર હરિવંશના પક્ષમાં ૧૨૫ જયારે વિપક્ષના ઉમેદવારના પક્ષમાં ૧૦૫ મત પડ્યા.(૨૧.૭)

(10:24 am IST)