Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ભોપાલમાં દિગ્વિજય સહિત કોંગી નેતાઓ સામે કેસ નોંધાયો

પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ સામે કોંગ્રેસના દેખાવો : કોરોનાની માર્ગદર્શિકાના પાલન સાથે દેશના અનેક સ્થળે કોંગ્રેસના કાર્યકરોના દેખાવો

ભોપાલ, તા. ૧૧ : પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને જોતા કોંગ્રેસે મોરચો ખોલ્યો છે. શુક્રવારે, કોંગ્રેસે દેશભરના પેટ્રોલ પમ્પની બહાર ઉગ્ર વિરોધ કરવાનો નિર્ણય કર્યો. પાર્ટીના કાર્યકરો સહિત પાર્ટીના મોટા નેતાઓએ પણ આ પ્રદર્શનમાં જોડાયા હતા. તે જ સમયે, ઘણા વિરોધ કરી રહેલા નેતાઓ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. પૂર્વ સીએમ દિગ્વિજય સિંહ, ભૂતપૂર્વ પ્રધાન પી.સી. શર્મા, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ કૈલાશ મિશ્રા સહિત ૩૦ લોકો વિરુદ્ધ ભોપાલમાં ધરણા પ્રદર્શન કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

એએસપી અંકિત જયસ્વાલે જણાવ્યું છે કે પેટ્રોલ, ડીઝલની વધતી માગને લઈને કોંગ્રેસના નેતાઓ પેટ્રોલ પમ્પ પર વિરોધ કરી રહ્યા હતા. તમામ સામે આઈપીસી કલમ ૧૮૮ અને ૧૪૫ હેઠળ નોંધાયા છે.

કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે ભોપાલમાં વિરોધ પ્રદર્શન દરમિયાન કહ્યું હતું કે 'એક્સાઈઝ ડ્યુટી ઘટાડીને ઓછામાં ઓછા ૨૫ રૂપિયાનો ઈંધણના ભાવમાં ઘટાડો કરી શકાય છે. ઈંધણના ભાવવધારા માટે યુપીએ સરકારની ટીકા કરનારા લોકો ક્યાં છે? બળતણના વધતા ભાવોની સાથે જીવનજરૂરી ચીજો પણ મોંઘા થઈ રહ્યા છે.

જણાવી દઈએ કે, ભૂતકાળમાં કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થયેલા વધારા સામે પક્ષ ૧૧ જૂને વિવિધ પેટ્રોલ પમ્પની બહાર પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શન કરશે. તેના પ્રદર્શનમાં તેના હજારો કાર્યકરો ભાગ લેશે. તેમણે કહ્યું હતું કે આ વિરોધમાં કોરોનાને લગતી માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે.

(9:08 pm IST)