Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

સમય સાથે વહી શકાય, ક્ષણે ક્ષણે જીવી શકાય : સુ.શ્રી નેહલ ગઢવી

જયાં સુધી તમારો સમય સારો છે ત્‍યાં સુધી લોકો તમારી આસપાસ રહેશે, સૂર્યાસ્‍ત આવશે તો લોકો વિખેરાતા જશે : સમાધિ એટલે સમય નથી, સ્‍થાન પણ નથી, જયાં સુધી મનની પીડામાં છે ત્‍યાં સુધી સમય બોજ છે : મુઠીવાળો તો સમય રેતી છે અને મુઠી ખોલો તો સમય ખેતી છે

રાજકોટ, તા. ૧૦ : અકિલા ઈન્‍ડિયા ઈવેન્‍ટ્‍સ - ‘ગુજરાત્રી' પ્રસ્‍તુત સિઝન-૨ ‘સ્‍વયં-સંબંધ-સમય' શિર્ષક એમ ત્રણ વિષય ઉપર ત્રણ સુપ્રસિદ્ધ વકતાઓએ પોતાના મંતવ્‍ય રજૂ કરેલ. જેમાં ‘સમય' શિર્ષક ઉપર સુશ્રી નેહલ ગઢવીએ શાનદાર વકતવ્‍ય રજૂ કર્યુ હતું. ખીચોખીચ ભરેલા હેમુ ગઢવી હોલમાં તેમના એક-એક શબ્‍દો ઉપર તાલીઓનો ગડગડાટ ગુંજતો હતો. તેઓએ કહેલ કે સમય સાથે વહી શકાય છે અને ક્ષણે ક્ષણે જીવી શકાય છે. એક વર્ષના સમયનું મહત્‍વ કેટલુ છે તે પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીને પૂછો. એક પ્રેમીને પૂછો કે જે તેની પ્રેમીકાને મળવા માટે રાહ જોતો હોય અને તેની પ્રેમિકા થોડી ક્ષણ માટે આવીને જતી રહે.

એવા વ્‍યકિતને સમયનું મહત્‍વ પૂછો કે જેમણે એક જ સેકન્‍ડના અંતરમાં જીવન અને મોતમાંથી બહાર આવ્‍યો હોય. ટ્રાન્‍ઝેકશન જેવા દોરમાં આપણે જીવી રહ્યા છીએ. સમયે જેમને જોઈ લીધા છે તેને આપણે જોતા જ નથી. સમય એક નદી છે, નદી કિનારે મેળો લાગે પણ એ પાણી હશે ત્‍યાં સુધી જ. જયાં સુધી તમારો સમય છે ત્‍યાં સુધી લોકો તમારી આસપાસ છે અને સૂર્યાસ્‍ત આવશે તો લોકો વિખેરાતા જશે.

તેઓએ ઉદાહરણ આપતા જણાવેલ કે હાલમાં અહિં બેઠેલા તમામની ઘડીયાલનો સમય એક જ હશે પણ દરેકનું મન અલગ વિચારતુ હશે. સમાધિ એટલે સમય નથી સ્‍થાન પણ નથી. જયાં સુધી મનની પીડામાં છે ત્‍યાં સુધી સમય બોજ છે. સમય નદી છે, એ પ્રવાહમાં વહી જવુ કે ડૂબી જવુ એ આપણા ઉપર છે. આપણી સૌની એવી સમસ્‍યા છે કે આપણે ૧૦૦ ટકા પરફેકટ નથી. ઘડીયાલ બદલાવવાથી સમય ન બદલાય. મુઠીવાળો તો સમય રેતી છે અને મુઠી ખોલો તો સમય ખેતી છે. મોટાભાગના લોકોનો સમય તો માત્ર વિચારવામાં જ જાય છે. મારે આમ કરવું છે, ઓલુ કરવું છે, સમય એટલે ઘડીયાલ નથી પણ મન છે, દોસ્‍ત સાથે વિતાવેલી સંધ્‍યા છે.

અત્રે એ નોંધનીય છે કે સુશ્રી નેહલ ગઢવી ભાવનગરના વતની છે અને અંગ્રેજીમાં સ્‍નાતક છે. તેઓ અંકુર નામની સંસ્‍થા પણ ચલાવી રહ્યા છે. જેમાં ૧૭૫ જેટલા દિવ્‍યાંગ બાળકોની સેવા કરી રહ્યા છે. આ દિવ્‍યાંગ બાળકોમાં સંસ્‍કારનું સિંચન કરી રહ્યા છે. તેઓની આ સેવાકીય પ્રવૃતિને ઉપસ્‍થિત હકડેઠઠ મેદનીએ તાલીઓના ગડગડાટથી બિરદાવી હતી.

સુશ્રી નેહલ ગઢવીએ જણાવેલ કે જયાં સુધી તમારો સમય સારો હશે ત્‍યાં સુધી લોકો તમારી આસપાસ ઘૂમતા રહેશે પણ જેવો તમારો સમય ખરાબ હશે તો તેવા જ લોકો આસપાસથી સરકવા લાગશે. જેથી સમયને માન આપવો જરૂરી છે.

(2:20 pm IST)