Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

૧૧૦ કલાક પછી બે વર્ષના ફતેહવીરને બોરવેલમાંથી બહાર કઢાયોઃ મોત

પંજાબના સંગરૂરમાં પાંચ દિવસ પહેલા ફતેહવીર નામનો બે વર્ષનો બાળક ૧૫૦ ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો

સંગરૂર, તા.૧૧: પંજાબના સંગરુરમાં છેલ્લા ૧૧૦ કલાકથી ચાલી રહેલું રેસ્કયૂ ઓપરેશન સફળ ન રહ્યું. બે વર્ષના માસૂમ ફતહવીરને બહાર કાઢી લેવાયો પરંતુ તેનો જીવ ન બચાવી શકાયો. સોમવારે મોડી રાત્રે જયારે તેને બહાર કાઢવામાં આવ્યો ત્યારે તેનું મોત થઈ ગયું હતું. નોંધનીય છે કે સંગરૂરમાં પાંચ દિવસ પહેલા ફતેહવીર ૧૫૦ ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો. જે બાદમાં તંત્ર રાત-દિવસ તેને બહાર કાઢવાના કામમાં લાગ્યું હતું.

કહેવામાં આવી રહ્યું છે કે સાત ઈંચ પહોળા બોરવેલને કપડાંથી ઢાંકી દેવામાં આવ્યો હતો. બાળક તેને જોઈ શકયો ન હતો. માસૂમની માતાએ બાળકને બોરવેલમાં પડતો જોયો હતો. માતા જયાં સુધી બોરવેલ સુધી પહોંચી ત્યાં સુધી તે વધારે અંદર જતો રહ્યો હતો. દ્યટના બાદ ગામના લોકોએ પોતાની રીતે બાળકને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ સફળતા ન મળતા તંત્રને જાણ કરી હતી.

બોરવેલમાં બાળક પડી જવાનો આ પ્રથમ બનાવ નથી. આ પહેલા પણ અનેક જગ્યાએ આવા બનાવો સામે આવી ચુકયા છે. ખાનગી તેમજ સરકારી કર્મચારીઓ તરફથી ખોદવામાં આવતા બોરવેલને ખુલ્લા મૂકી દેવાને કારણે અનેક બાળકો તેમાં ફસાઈ ચુકયા છે. અનેક બાળકોએ આ રીતે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

(1:59 pm IST)