Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

મુંબઈમાં મોડી રાત્રે ધોધમાર વરસાદઃ વિજળી પડવાથી બેના મોત

માયાનગરી મુંબઈના અનેક વિસ્‍તારોમાં પાણી ભરાયાઃ ૨૨ વિમાનો ડાયવર્ટ કરવા પડયાઃ ભારે વરસાદથી લોકલ ટ્રેન સેવાને પણ માઠી અસર પહોંચી : વિજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરીઃ હજુ ભારે વરસાદ પડવાની આગાહીઃ વાવાઝોડાનું એલર્ટ જારી કરાયું

મુંબઈ, તા. ૧૧ : એક તરફ જ્‍યાં દિલ્‍હી સહિત ઉત્તર ભારતના અનેક વિસ્‍તારો ભીષણથી શેકાઈ રહ્યા છે ત્‍યારે માયાનગરી મુંબઈમાં ગઈકાલે રાત્રે ભારે વરસાદ પડયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભારે વરસાદને કારણે ઈન્‍ટરનેશનલની ૬ અને ડોમેસ્‍ટીકની ૧૬ ફલાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી. કાંદીવલી વિસ્‍તારમાં વિજળી પડવાથી બે કિશોરના મોત થયા હોવાનું પણ જાણવા મળે છે. રાત્રે ભારે વરસાદ પડતા શહેરના અનેક ભાગો જળબંબાકાર બની ગયા હતા. વિજળીના કડાકા-ભડાકા સાથે પડેલા વરસાદથી અનેક ટ્રેનોને પણ અસર થવા પામી હતી. હવામાન ખાતાએ આજે પણ ભારે વરસાદની આગાહી કરી છે.

મુંબઈમાં ગઈકાલે રાત્રે પડેલા ભારે વરસાદથી ગરમીથી ત્રસ્‍ત લોકોએ રાહત અનુભવી હતી અને વરસાદનો આનંદ માણ્‍યો હતો. છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટના જણાવ્‍યા પ્રમાણે વીજીબીલીટી ઓછી થતા અનેક ફલાઈટોને અસર થવા પામી હતી. ભારે વરસાદને કારણે અનેક નિચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદની અસર લાઈફ લાઈન ગણાતી લોક ટ્રેન પર પણ પડી હતી. અનેક ટ્રેનો મોડી દોડી હતી.

મુંબઈમાં ગઈકાલે મોડી રાત્રે ભારે પવન અને વાદળોના ગડગડાટ વચ્‍ચે વરસાદ વરસ્‍યો હતો. હવામાન ખાતાના કહેવા મુજબ મોન્‍સુનનો આ પહેલો વરસાદ હતો. કોલાબા, કુર્લા, શાંતાક્રુઝ, મલાડ, કાંદીવલી, બોરીવલી અને ઘાટકોપરમાં સારો વરસાદ વરસ્‍યો હતો. હજુ ૪૮ કલાક સુધી છૂટક વરસાદ ચાલુ રહેવાનો છે.

તુષાર ઝા અને રૂષભ તિવારી નામના બે બાળકોના કાંદીવલી પૂર્વમાં આવેલ પોઈસર સ્‍લમમાં વિજળી પડવાથી મોત થયા હતા. ભારે ચમકારા સાથે આકાશ ચમકી ઉઠયુ હતુ. સાઉથ મુંબઈમાં રસ્‍તા ઉપર વૃક્ષ પડી જતા ટ્રાફીક અટકી ગયો હતો. ગઈકાલે રાત્રે ઘરે પાછા ફરતા લોકોને ભારે વરસાદને કારણે મુશ્‍કેલીનો સામનો કરવો પડયો હતો.  હજુ ભારે વરસાદની આગાહી છે.

(10:47 am IST)