Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

મસ્જિદોમાં અપાતા ઉપદેશની કૉપી સરકારને આપવી પડશે ઇસ્લામિક કટ્ટરવાદને ખતમ કરવા શ્રીલંકન સરકારનો આદેશ

મસ્જિદોનો ઉપયોગ ધાર્મિક કટ્ટરતા ફેલાવવા માટે ન થવો જોઈએ.

શ્રીલંકાની સરકારે આદેશ કર્યો છે કે દેશની તમામ મસ્જિદોમાં જે ઉપદેશ સંભળાવવામાં આવતો હોય છે તેની એક નકલ તેમણે સરકારમાં જમા કરાવવી પડશે.

તાજેતરમાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટ પછી હાલ શ્રીલંકામાં કટોકટી લાદવામાં આવેલી છે અને સરકારનું કહેવું છે કે આ આદેશનો હેતુ શ્રીલંકામાં ફેલાયેલા ઇસ્લામિક કટ્ટરવાદને ખતમ કરવાનો છે.

મુસ્લિમ અને ધર્મ અને સાંસ્કૃતિક બાબતોના મંત્રાલયનું કહેવું છે કે મસ્જિદોનો ઉપયોગ ધાર્મિક કટ્ટરતા ફેલાવવા માટે ન થવો જોઈએ.

 અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ અઠવાડિયા અગાઉ ઇસ્ટરને દિવસે શ્રીલંકામાં શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટમાં 250થી વધારે લોકોનાં મૃત્યુ થયા હતા.

આ વિસ્ફોટોની જવાબદારી કથિત ઇસ્લામિક સ્ટેટએ લીધી હતી.

શ્રીલંકામા હાલ કટોકટી લાગુ કરવામાં આવેલી છે. જોકે, શ્રીલંકાની સેનાના વડા લૅફ્ટનૅન્ટ જનરલ મહેશ સેનાનાયકેએ કહ્યું છે કે લોકો હવે એમનું સામાન્ય જીવન શરૂ કરી શકે છે.

એમણે કહ્યું કે શ્રીલંકાની સ્થિતિ બાબતે હવે વધારે ફિકર કરવાની જરૂર નથી. સ્થિતિ હવે કાબુમાં છે. અમે અનેક લોકોની ધરપકડ કરી છે. અમને હવે જાણ છે કે તેઓ કેટલા શકિતશાળી છે અને તેમની પાસે કેવા હથિયાર છે.

(3:34 pm IST)