Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

પ્રયાગરાજમાં સૌથી મોટા પરિવારમાં ૮૨ સભ્યો

તમામ એક સાથે પહોંચીને કરે છે મતદાન

નવી દિલ્હી તા.૧૧ : જ્યારે પણ અલ્હાબાદમાં મતદાન થાય છે ત્યારે દરેક ઉમેદવાર ભરૈચા ગામના રામ નરેશ ભારતીયના ઘરમાં ચોક્કસપણે પહોંચે છે. આનુ કારણ એ છે કે રામ નરેશના પરિવારના સભ્યો અલ્હાબાદના ક્ષેત્રમાં સૌથી મોટા પરિવાર તરીકે છે. ૯૮ વર્ષના રામ નરેશ ગર્વ સાથે કહે છે કે તેમના પરિવારમાં ૮૨ સભ્યો રહેલા છે. આ વખતે આમાંથી ૬૬ લોકો મતદાન કરનાર છે.

જેમાં પ્રથમ વખત મતદાન કરનાર સભ્યોની સંખ્યા આઠ રહેલી છે. સામાન્ય રીતે આ પરિવારના સભ્યો બપોરમાં ભોજન કર્યા બાદ એક સાથે મતદાન કરવા માટે પહોંચે છે. પાસે જ પ્રાઇમરી સ્કુલમાં આ પરિવારના સભ્યો મતદાન કરવા માટે પહોંચી જાય છે. રામ નરેશના પૌત્ર વિપિન આ ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનાર છે. જેથી તે ભારે ઉત્સાહિત પણ છે. તે કહે છે કે તેમના પરિવારના તમામ સભ્યો એક સાથે મતદાન કરવા માટે પહોંચી જાય છે. તેમનુ કહેવુ છે કે જ્યારે પરિવારના સભ્યો તમામ એક સાથે નિકળે છે ત્યારે તમામ લોકો હેરાન  થઇ જાય છે.

જ્યારે પણ નેતા તેમના ઘરે આવે છે ત્યારે તેમની સમસ્યા રજૂ કરવામાં આવે છે. જો કે પરિવારના સભ્યોનુ કહેવુ છે કે તેમની સમસ્યા તરફ હજુ સુધી ધ્યાન આપવામાં આવ્યુ નથી. રામનરેશના ભત્રીજા રામ શંકર કહે છે કે અમે પાકા મકાનની ઇચ્છા રાખી રહ્યા છીએ., પરંતુ હાઇ ટેન્શનના વાયર તેમની વચ્ચે આવી રહ્યા છે. તારને બીજી જગ્યાએ લઇ જવા માટે અરજી કરેલી છે. પરંતુ હજુ સુધી આ સંબંધમાં કોઇ માહિતી મળી શકી નથી. જો કે મત આપવા માટે પરિવારના સભ્યો ભારે ઉત્સુક દેખાઇ રહ્યા છે.

(3:28 pm IST)