Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

ચીને સોદાબાજી શરૂ કરતાં અમેરિકા-ચીનની સમજૂતી ન થઈ : ટ્રમ્પ

વોશિંગ્ટન, તા. ૧૧ : અમેરિકા અને ચીન વેપાર સમજૂતીની ખૂબ જ નજીક પહોંચી ગયા હતાં પણ ચીને ફરી સોદાબાજી શરૂ કરતા અમને આયાત ડયુટી વધારવાની ફરજ પડી છે તેમ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે જણાવ્યું હતું. જો કે હવે વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્રો વચ્ચે ડયુટી મુદ્દે સંમતિ સાધવાની શકયતા ખૂબ જ ઓછી લાગી રહી છે.

ચીનની જવાબી કાર્યવાહીની ધમકી છતાં અમેરિકાએ આજે ચીનની ૨૦૦ અબજ ડોલરની વસ્તુઓ પરની આયાત ડયુટી દસ ટકાથી વધારી ૨૫ ટકા કરી દીધી છે. જેના પગલે ચીને પણ અમેરિકાની વસ્તુઓ પર ડયુટી વધારવાની જાહેરાત કરી છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે ચીનને તેણે અગાઉ દર્શાવેલી કટિબદ્ઘતા યાદ કરાવવા માટે આ કાર્યવાહી જરૂરી છે. ગયા વર્ષે માર્ચ મહિનાથી અમેરિકા અને ચીન એકબીજાની વસ્તુઓ પર સતત ડયુટી વધારી રહ્યાં છે.

ડયુટી વધારવાના પોતાના નિર્ણયનો બચાવ કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકાને વર્ષમાં ૧૨૦ અબજ ડોલરની આવક થશે જેમાંથી મોટા ભાગની રકમ ચીન ચૂકવશે.

ચીનના નાયબ વડાપ્રધાન લિયૂ હીએ અમેરિકાના વેપાર પ્રતિનિધિ રોબર્ટ લાઇટહાઇઝર સાથે બેઠક કરી હતી.

જો કે ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે શકય છે કે અમેરિકા અને ચીન વચ્ચે વેપાર સમજૂતી થઇ શકે છે. આજે અમેરિકા અને ચીનના પ્રતિનિધિઓ વચ્ચે સાંજે પાંચ વાગ્યે બેઠક શરૂ થવાની છે.

ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે મને ચીનના પ્રમુખ તરફથી એક સુંદર પત્ર મળ્યો છે. અમે ચીન સાથે મળીને વેપાર સમજૂતી કરવા માટે તૈયાર છીએ.

અમેરિકા દ્વારા ડયુટી વધાર્યા પછી ચીને આ અંગે દુઃખ વ્યકત કરતા જણાવ્યું છે કે અમારી પાસે પણ અમેરિકાની વસ્તુઓ પર ડયુટી વધાર્યા સિવાય બીજો કોઇ રસ્તો નથી.

(2:04 pm IST)