Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

મ્યાંમારમાં પ્રદર્શનકારીઓ પર ફરી સૈન્યનો બેફામ ગોળીબાર : વધુ 10 નાગરિકોના મોત

લોકો પર ટીઅર ગેસથી લઈને દારુગોળો અને કેમિકલનો ભરપૂર ઉપયોગ થતો હોવાનો માનવ અધિકાર સંગઠનનો દાવો

નવી દિલ્હી : મ્યાંમારમાં પ્રદર્શનકારીઓ પર ફરીથી સૈન્યએ બેફામ ગોળીબાર કર્યો હતો, જેમાં ૧૦ નાગરિકોનાં મોત થયા છે  લશ્કરી બળવાનો શાંતિપૂર્ણ વિરોધ કરનારા કુલ ૬૦ નાગરિકોનાં મોત થઈ ચૂક્યા છે. મ્યાંમારનું સૈન્ય નાગરિકો પર ઘાતક હથિયારોનો ઉપયોગ કરે છે.
મ્યાંમારના લશ્કરે કરેલાં બેફામ ગોળીબારમાં વધુ ૧૦ નાગરિકોનાં મોત થયાં છે. અત્યાર સુધીમાં લશ્કરી બળવાનો વિરોધ કરનારા લગભગ ૬૦ કરતાં વધુ નાગરિકોનો ભોગ લેવાયો છે. સૈન્યએ નાગરિકો પર ઘાતકી હથિયારો પ્રયોજવાનું શરૃ કર્યું હોવાનો દાવો માનવ અધિકાર સંગઠનોએ કર્યો હતો. મ્યાંમારના અલગ અલગ શહેરોમાં સૈન્યના ગોળીબારમાં વધુ ૧૦નાં મોત થયાનો દાવો પણ માનવ અધિકાર સંગઠનોએ કર્યો હતો. મ્યાંમારનું લશ્કર લોકો પર ટીઅર ગેસથી લઈને દારુગોળો સુ્દ્ધાં પ્રયોજે છે. એ ઉપરાંતના કેમિકલનો ભરપૂર ઉપયોગ થતો હોવાનો દાવો કરાયો હતો. માનવ અધિકાર સંગઠનોએ મ્યાંમારના વીડિયો જોઈને વિશ્લેષણ કર્યું હતું અને સોશિયલ મીડિયાના આધારે કહેવાયું હતું કે સૈન્ય ઘાતક કેમિકલ્સનો ઉપયોગ કરીને વિરોધ ડામવાની કોશિશ કરે છે.
સૈન્યએ આંગ સાન સૂકી પર નવા આરોપો લગાવ્યા છે. એક લશ્કરી નિવેદનમાં કહેવાયું હતું કે આંગ સાન સૂકીએ છ લાખ ડોલરનો ભ્રષ્ટાચાર આચર્યો હતો. આટલી મોટી રકમ અને સોનું તેમણે ૨૦૧૭-૧૮ના વર્ષમાં સાથીપક્ષોને આપ્યું હોવાનો દાવો સૈન્યએ કર્યો હતો. જોકે, સૈન્યના પ્રવક્તાએ તે અંગેના કોઈ જ પુરાવા જાહેર કર્યા ન હતા.
બીજી તરફ યુએને સૈન્યને હિંસા અટકાવવાની અપીલ કરી હતી. યુએનની સિક્યુરિટી કાઉન્સિલે કહ્યું હતું કે મ્યાંમારમાં થઈ રહેલાં હિંસાના બનાવો ખૂબ જ ગંભીર છે અને સતત વધી રહ્યાં છે. સૈન્યએ તાકીદની અસરથી હિંસા અટકાવવી જોઈએ.

(11:20 pm IST)