Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

સરકાર પાસે માંગ્યુ ૧૧ લાખનું વળતર

નસબંધી કરાવ્યાના દોઢ વર્ષ બાદ મહિલા થઇ ગર્ભવતી

પટણા તા. ૧૧ : મેડિકલ સાયન્સ મુજબ મહિલા નસબંધી ગર્ભનિરોધકનો સ્થાયી ઉપાય છે. નસબંધી પછીથી ગર્ભવતી થવાની સહેજ પણ સંભાવના નથી રહેતી. પરંતુ મુજફફરપુરમાં એક મહિલા નસબંધીના દોઢ વર્ષ પછી ગર્ભવતી થઈ ગઈ છે. હવે સરકાર પાસે ૧૧ લાખ રૂપિયાના નુકસાનના દાવાનો કેસ ઠોકી દીધો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોતીપુર બ્લોકની સરકારી હોસ્પિટલમાં ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામના ભાગ રૂપે, ફુલકુમારી ૨૭ જુલાઈ ૨૦૧૯ ના રોજ નસબંધી કરાવી હતી. આ સમય દરમિયાન તેમણે સરકાર દ્વારા અપાયેલી તમામ સૂચનાનું પાલન પણ કર્યું હતું. ફૂલકુમારી કહે છે કે ચાર સંતાન થયા બાદ પરિવારનો ખર્ચ વધ્યો હતો. આને કારણે તેણે નસબંધી કરાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ નસબંધીના દોઢ વર્ષ પછી તે ફરી ગર્ભવતી થઈ.

ફૂલકુમારીએ મોતીપુર હોસ્પિટલમાં ગર્ભવતી થવાની ફરિયાદ કરી હતી. બાદમાં તેને અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ કરવામાં આવ્યો. અલ્ટ્રાસાઉન્ડમાં પણ તેની ગર્ભાવસ્થાની પુષ્ટિ કરી. પાંચમી વખત ગર્ભવતી થવાના સમાચારને કારણે તે તણાવમાં રહેવા લાગી. તેણે ડોકટર પર બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો. પાંચમા બાળકના ઉછેરમાં કરવામાં આવતા ખર્ચની જોગવાઈ માટે કેસ ગ્રાહક અદાલતમાં લઈ જવામાં આવ્યો છે. વળતર તરીકે કોર્ટમાંથી ૧૧ લાખ રૂપિયાની માંગ કરી છે.

નસબંદી પછીથી સ્ત્રી ગર્ભાવસ્થાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં ગઈ ત્યારે કોઈને વિશ્વાસ જ ન આવ્યો. મહિલાની વાત સાંભળીને દરેક જણ આશ્યર્યચકિત થઈ ગયા. જયારે તેણે આખી વાત સમજાવી અને પોતાનો અહેવાલ બતાવ્યો ત્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. મહિલાએ આ માટે નસબંદી કરનાર ડોકટરને દોષી ઠેરવ્યા. તેમણે કોર્ટ પાસે ૧૧ લાખ રૂપિયા વળતરની માંગ કરી હતી. આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ વિરૂદ્ઘ પણ કેસ નોંધવામાં આવ્યો છે. ૧૬ માર્ચે સુનાવણી થશે.

અગાઉ, જમુઇમાં નસબંધીના ઓપરેશનના ૬ વર્ષ બાદ એક મહિલા ગર્ભવતી થઈ હતી. તેમણે પણ ઓપરેશન કરનાર ડોકટરની બેદરકારી હોવાનો આરોપ આરોગ્ય વિભાગને આપ્યો હતો. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે નસબંધીની કામગીરી સંપૂર્ણપણે સફળ છે. પરંતુ નસબંધી નિષ્ફળતાના કિસ્સામાં રાજય સરકાર વળતર યોજના હેઠળ વળતર આપે છે. પરંતુ તે ખૂબ જ ઓછું હોય છે.

(11:24 am IST)