Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

બીએસઈના ઈન્ડિયા-INX પર એક-દિવસના ટર્નઓવરનો નવો વિક્રમ નોંધાયો

એક જ દિવસમાં 30.21 અબજ યુએસ ડોલર એટલે કે રૂ.2,20,454 કરોડના ટર્નઓવરનો નવો વિક્રમ

મુંબઈ:ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે આવેલા ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જ (ઈન્ડિયા INX) ખાતેના પ્લેટફોર્મ પર ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં એક જ દિવસમાં 30.21 અબજ યુએસ ડોલર એટલે કે રૂ.2,20,454 કરોડના ટર્નઓવરનો નવો વિક્રમ નોંધાયો છે, જે ગિફ્ટ IFSC ખાતેની બજારનો 98.33 ટકા હિસ્સો દર્શાવે છે.

ઉક્ત પ્લેટફોર્મ 16 જાન્યુઆરી, 2017થી શરૂ થયું ત્યારથી સતત તેના પર ટર્નઓવરના નવા નવા વિક્રમ સર્જાતા રહ્યા છે. માર્ચ મહિનામાં સરેરાશ દૈનિક ટર્નઓવર 20.78 અબજ યુએસ ડોલરથી અધિક થયું છે, જે આગલા મહિનાની તુલનાએ આશરે 20 ટકાનો વધારો દર્શાવે છે.

અત્યાર સુધીનું કુલ ટર્નઓવર 2.43 ટ્રિલ્યન યુએસ ડોલર થયું છે. આ પ્લેટફોર્મ સતત 22 કલાક ચાલુ રહે છે. મહામારીના સમયમાં પણ એક્સચેન્જે પોતાના નંબર વન સ્થાનને જાળવી રાખ્યું છે.

(12:00 am IST)