Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

તેમના પક્ષમાંથી જ ઉઠતો વિરોધ

ટ્રમ્પ વિરૂધ્ધ આજે મહાભિયોગ પ્રસ્તાવ

વોશિંગ્ટન,તા. ૧૧: અમેરિકન સંસદ કેપિટલ પર હિંસક પ્રદર્શન બાબતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવાની વિરોધ પક્ષ ડેમોક્રેટની માંગણીને વધુ બળ મળ્યું છે. ખરેખરતો રિપબ્લીકન પાર્ટીના જ ટોચના નેતાઓએ ટ્રમ્પ સમર્થકોના આ કૃત્યને મહાભિયોગ ચલાવવા યોગ્ય ગણાવ્યું છે.

આ સાથેના ડેમોક્રેટ સાંસદો રાષ્ટ્રપતિ વિરૂધ્ધ સંસદના નીચલા સદન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવમાં આજે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરશે. જો કે ડેમોક્રેટીવ નેતા અને હાઉસની સ્પીકર નેન્સી પેલોસીએ પ્રસ્તાવ પસાર કરાવવા માટે જરૂરી મત મળવા અંગે આશંકા વ્યકત કરતા બધા ડેમોક્રેટીક સાંસદોને વોશિંગ્ટન પહોંચવા કહ્યુ છે.

સેનેટર પેટ ટૂમીએ કહ્યું કે મને લાગે છે કે ટ્રમ્પે મહાભિયોગ ચલાવી શકાય તેવું કૃત્ય કર્યું છે. જો કે તેમણે એ ચોખવટ નહોતી કરી કે તે મતદાનમાં ભાગ લેશે કે નહીં. ગત શનિવારે સદનની અધ્યક્ષ નેન્સી પેલોસીએ ડેમોક્રેટ સાંસદોને પત્ર લખીને કહ્યું કે ટ્રમ્પને જવાબદાર ઠેરવવા જોઇએ પણ મહાભિયોગ માટે મત ઓછા છે. તો પણ તેમણે પોતાના પક્ષને તૈયાર રહેવા અને સોમવારે વોશિંગ્ટન પહોંચી જવાનો આગ્રહ કર્યો છે. પેલોસીએ લખ્યું કે જેમણે આપણી લોકશાહી પર હુમલો કરવા ઉશ્કેર્યા, તેમને દોષિત ઠેરવવા અત્યંત જરૂરી છે. એ વાતની ઓળખ કરવાની જરૂર છે કે આવા કૃત્યને એક રાષ્ટ્રપતિ દ્વારા પ્રોત્સાહન અપાયું છે.

આ દરમ્યાન કેટલાક રિપબ્લીકનો ટ્રમ્પના બચાવ માટે મેદાનમાં આવ્યા છે. રીપબ્લીકનના પ્રમુખ અને તેમની કેબિનેટના બે મહિલા પ્રધાનોએ કહ્યું કે અલગ અલગ મતોના લોકોએ વ્હાઇટ હાઉસ પર હુમલો કર્યો હતો પણ આ ઘટના પછી ટ્રમ્પને બહુ એકલા પાડી દેવાયા છે.

(11:51 am IST)