Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

અમેરિકાએ ક્વાડ ફેલોશિપ હેઠળ ભારતમાંથી 25 વિદ્યાર્થીઓની પસંદગી કરી

ફેલોશિપ માટે કુલ 100 વિદ્યાર્થીઓને લેવાયા : ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુ.એસ.માંથી પ્રત્યેક 25 વિદ્યાર્થીઓ સામેલ

નવી દિલ્હી :અમેરિકાએ ક્વાડ ફેલોશિપ હેઠળ ભારતમાંથી 25 વિદ્યાર્થીઓની પસંદગી કરી છે. ફેલોશિપ માટે કુલ 100 વિદ્યાર્થીઓને લેવામાં આવ્યા છે, જેમાં ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુ.એસ.માંથી પ્રત્યેક 25 વિદ્યાર્થીઓ છે. યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને વિદ્યાર્થીઓને ફેલોશિપ માટે પસંદ થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે અગાઉ ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુએસના ક્વાડ ફેલોની પ્રથમ ટુકડીને અભિનંદન આપતાં કહ્યું હતું કે યુવા ફેલો ક્વાડ દેશોને નજીક લાવશે. ક્વાડ દેશોના નેતાઓએ આ વર્ષે મે મહિનામાં ‘ક્વાડ ફેલોશિપ’ શરૂ કરી હતી, જે તેના પ્રકારનો પ્રથમ શિષ્યવૃત્તિ કાર્યક્રમ છે. ચાર સભ્ય દેશોના વૈજ્ઞાનિકો અને ટેક્નોલોજિસ્ટની આગામી પેઢી વચ્ચે સંવાદ સર્જવાના ઉદ્દેશ્યથી તેની રચના કરવામાં આવી છે. સુલિવને શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આજે અમે 100 વૈવિધ્યસભર, બહુવિધ, પ્રેરણાદાયી અને અસાધારણ વિદ્યાર્થીઓના જૂથને આવકારતાં અત્યંત ગર્વ અનુભવીએ છીએ. આમાં દરેક ક્વાડ દેશના 25 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જે મહાન STEM વ્યાવસાયિકોની આગામી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે.

સુલિવાને જણાવ્યું હતું કે આ દરેક ફેલો આપણા ચાર મહાન લોકશાહી દેશો વચ્ચે નવીનતા અને સહયોગને આગળ વધારવા માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેઓએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર તેમજ વિશ્વ માટે સારી આવતીકાલનું નિર્માણ કરવા માટે ઉત્સાહ પણ દર્શાવ્યો છે. એમ પણ કહ્યું કે અમે માનીએ છીએ કે આપણું ભવિષ્ય સારા હાથમાં છે.

(1:03 am IST)