Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

અનંતનાગમાં દળો સાથેની અથડામણમાં ૩ આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરમાં સેનાનું આતંકીઓ સામે અભિયાન તેજ : આત્મસમર્પણ માટે કહ્યું પણ આતંકીઓએ ગોળીબાર ચાલુ રાખતા સેનાની કાર્યવાહી, વિસ્તારમાં સર્ચ જારી

જમ્મુ, તા.૧૦ : દક્ષિણી કાશ્મીરના અનંતનાગ જિલ્લાના રાનીપોરા વિસ્તારના કારીગામમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં સેનાને ત્રણ આતંકીઓ ઢેર કરવામાં સફળતા મળી છે.

આ અથડામણમાં આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના જિલ્લા કમાન્ડર આરિફ અહમદ હજ્જમને સદૂરાનો રહેવાસી છે તે પણ માર્યો ગયો છે. અન્ય બે આતંકીઓની ઓળખ હજુ થઈ નથી.

જાણકારી અનુસાર આજે શનિવારે અનંતનાગ જિલ્લાના કારીગામ વિસ્તારમાં સુરક્ષાદળોને આતંકીઓ છુપાયા હોવાની સૂચના મળી હતી. આ ઉપરાંત સુરક્ષાદલોએ પોલીસ, સેનાની ૧૯ રાષ્ટ્રીય રાઇફલ અને સીઆરપીએફની સાથે સંયુક્ત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન એક જગ્યા પર છુપાયેલા આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કર્યું. તેવામાં સુરક્ષાદળોએ આતંકીઓને આત્મ સમર્પણ કરવા માટે કહ્યું પરંતુ આતંકીઓએ ત્યારબાદ પણ ફાયરિંગ જારી રાખ્યું હતું. ત્યારબાદ સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકીઓના મોત થયા છે. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

પોલીસ અધિકારીઓએ કહ્યું કે, હજુ આ વિસ્તારમાં ઓપરેશન ચાલી રહ્યું છે. તેથી હાલ કશુ કહી શકાય નહીં. માનવામાં આવી રહ્યું છે કે તેના સાથે અહીં છુપાયેલા છે. ઓપરેશન પૂર્ણ થયા બાદ વિસ્તારથી માહિતી આપવામાં આવશે.

(8:37 pm IST)