Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

સોમવારથી સસ્તું સોનુ ખરીદવાની મળશે તક : સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં એક ગ્રામની કિંમત 4,807 રૂપિયા નક્કી કરાઈ

સોવરેનગોલ્ડ બોન્ડ 2021-22 ની ચોથી સીરીઝ સોમવારથી પાંચ દિવસ માટે સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે

નવી દિલ્હી : સોમવારથી સસ્તું સોનુ ખરીદવાની તક મળશે 12 જુલાઈથી, સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22 ની ચોથી સીરીઝનું વેચાણ શરૂ થઈ રહ્યું છે. આ વેચાણ 16 જુલાઇ સુધી ચાલશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલ રજૂઆત અનુસાર, આ સીરીઝમાં પ્રતિ ગ્રામ સોનાની કિંમત 4,807 રૂપિયા નક્કી કરાઈ છે

  સોવરેનગોલ્ડ બોન્ડ 2021-22 ની ચોથી સીરીઝ સોમવારથી પાંચ દિવસ માટે સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. આરબીઆઈના જણાવ્યા અનુસાર બોન્ડ માટે ઓનલાઇન અરજી કરો છો, તો  પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે આવા રોકાણકારો માટે એક ગ્રામ ગોલ્ડ બોન્ડની કિંમત 4,757 રૂપિયા હશે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર આ બોન્ડ્સ તમામ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (એસએચસીઆઈએલ), પોસ્ટ ઓફિસ અને માન્ય સ્ટોક એક્સચેંજ, એનએસઈ અને બીએસઈ દ્વારા વેચવામાં આવશે. જો કે તે સ્મોલ ફાઇનાન્સ બેંક અને પેમેન્ટ બેંક દ્વારા વેચવામાં આવતું નથી.

 

સોવરેનગોલ્ડ બોન્ડ સ્કીમ હેઠળ, વ્યક્તિ નાણાકીય વર્ષમાં મહત્તમ 4 કિલો ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. તે જ સમયે, એક ગ્રામનું ઓછામાં ઓછું રોકાણ હોવું જરૂરી છે. ટ્રસ્ટ્સ અથવા તેના જેવી સંસ્થાઓ 20 કિલો સુધીના બોન્ડ્સ ખરીદી શકે છે. અરજીઓને ઓછામાં ઓછા 1 ગ્રામ અને તેના ગુણાકારમાં જારી કરવામાં આવે છે. બોન્ડની કિંમત ઇન્ડિયન બુલિયન અને જ્વેલર્સ એસોસિએશન લિ. (IBJA) 999 શુદ્ધતાના સોનાની સરેરાશ ક્લોઝિંગ પ્રાઇસના આધારે નક્કી કરવામાં આવી છે.

(12:36 pm IST)