Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

મોદીની 'શિક્ષિત' કેબિનેટમાં ૪૨% દાગી : ૯૦ ટકા કરોડપતિ

એડીઆરનો રિપોર્ટ : કેન્દ્રીય મંત્રીમંડળના ૭૮ પ્રધાનોમાંથી ૪૨ ટકા (કુલ ૩૩)એ પોતાની સામે આપરાધિક કેસ હોવાનું જાહેર કર્યુ છે : ૨૪ એટલે કે ૩૧ પ્રધાનોએ હત્યા - હત્યાનો પ્રયાસ - લૂંટ જેવા ગંભીર કેસની જાહેરાત કરી છે : ૭૦ પ્રધાનો કરોડપતિ : ૮ પ્રધાનોની સંપત્તિ ૧ કરોડથી ઓછી છે : સૌથી ગરીબ છે પ્રતિમા ભૌતિક : તેમની પાસે માત્ર ૬ લાખની સંપત્તિ છે : ૮૨ ટકા પ્રધાનો ગ્રેજ્યુએટ કે તેથી ઉપર : માત્ર ૧૨ પ્રધાનો ૮ થી ૧૨ સુધી ભણ્યા છે

નવી દિલ્હી તા. ૧૦ : મોદી સરકારના બીજા કાર્યકાળના પહેલા કેબિનેટ વિસ્તરણ પછી ૭૮ પ્રધાનોનું પ્રધાન મંડળ અત્યાર સુધીનું સૌથી યુવા અને સૌથી શિક્ષિત છે. પણ ગુનાહિત કેસોનું કલંક આ પ્રધાન મંડળમાં પણ ઓછું નથી.

નવા પ્રધાન મંડળના ૪૨ ટકા ચહેરાઓ ગુનાહિત કેસનો સામનો કરી રહ્યા છે. આ દાવો નેશનલ ઇલેકશન વોચ અને એસોસીએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સ (એડીઆર)એ પોતાના તાજા રિપોર્ટમાં કર્યો છે. જોકે રિપોર્ટમાં એ પણ કહેવાયું છે કે પહેલીવાર દેશના દરેક ખુણાને પ્રધાન મંડળમાં પ્રતિનિધિત્વ મળ્યું છે.

બધા પ્રધાનોના શપથપત્રોના વિશ્લેષણ પછી બહાર પડાયેલ રિપોર્ટ મુજબ પ્રધાનમંડળના ૭૮માંથી ૩૩ પ્રધાનો એટલે કે કુલ ૪૨ ટકાએ પોતાના પર ગુનાહિત કેસ હોવાની વાત સ્વીકારી છે. એમાંથી ૨૪ પ્રધાનો એટલે કે ૩૧ ટકા ઉપર ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ગુનાઓમાં હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ જેવા ગંભીર અપરાધ નોંધાયેલ છે. પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારના સાંસદ અને લઘુમતિ બાબતોના રાજ્યપ્રધાન જોન બરલા પર ૨૪ ગંભીર પ્રકારની કલમોવાળા ૯ કેસ અને ૩૮ અન્ય કેસો છે.

કૂચબિહારના સાંસદ અને ગૃહ રાજ્યપ્રધાન નિશિત પ્રમાણિક પર ૧૧ કેસ ગંભીર પ્રકારની ૨૧ કલમોના છે. નાણા રાજ્યમંત્રી બનાવાયેલા ઉત્તરપ્રદેશના મહારાજગંજના સાંસદ પંકજ ચૌધરી પર હત્યાના પ્રયાસના કુલ પાંચ કેસ નોંધાયેલા છે.

રિપોર્ટ અનુસાર, કેન્દ્રીય કેબીનેટના પાંચ મંત્રીઓ પર સાંપ્રદાયિકતા ફેલાવવાના અને ધાર્મિક ભાવના ભડકાવવાના આરોપ છે. તેમાં ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ પ્રધાન ગિરિરાજસિંહ, કૃષિ રાજ્ય મંત્રી શોભા કરંદલાજે, ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાજય અને કોલસા મંત્રી પ્રહલાદ જોષી સામેલ છે. નિતીન ગડકરી સહિત સાત પ્રધાનો પર ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર રીતે આર્થિક લાભ ઉઠાવવાના આરોપ છે.

એડીઆરના રિપોર્ટ અનુસાર, ૭૮માંથી ૭૦ પ્રધાનો કરોડપતિ છે, જે મોદી મંત્રીમંડળનો ૯૦ ટકા હિસ્સો છે. તેમાંથી ૪ પ્રધાનોની સંપત્તિ ૫૦ કરોડથી વધારે છે. સૌથી વધારે ૩૭૯ કરોડ રૂપિયાની સંપત્તિ નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાની છે.

કાપડ મંત્રી પીયુષ ગોયલની કુલ સંપત્તિ ૯૫ કરોડથી વધારે છે. એમએસએમઇ મંત્રી નારાયણ રાણેના નામે ૮૭ કરોડથી વધુ અને ઇલેકટ્રોનિક અને સૂચના પ્રાદ્યોગિકી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરના નામે ૬૪ કરોડથી વધારેની સંપત્તિ છે.

આઠ પ્રધાનોની સંપત્તિ એક કરોડથી પણ ઓછી છે, જેમાં સામાજીક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી બનેલ પ્રતિમા ભૌમિકના નામે ફકત છ લાખ રૂપિયાની કુલ સંપત્તિ છે. તેમને સૌથી ગરીબ પ્રધાન કહી શકાય. જોન બરલાના નામે ૧૪ લાખ અને કૃષિ રાજ્યમંત્રી કૈલાસ ચૌધરીના નામે ૨૪ લાખની સંપત્તિ છે.

આ કેબિનેટમાં ફકત ૧૨ પ્રધાનો (૧૫ ટકા)ની શૈક્ષણિક લાયકાત ૮ થી ૧૨ ધોરણ વચ્ચે છે. જ્યારે ૬૪ પ્રધાનો એટલે કે ૮૨ ટકા સ્નાતક અને તેનાથી વધારે લાયકાત ધરાવે છે. આમાં બે પ્રધાનો ડીપ્લોમાં હોલ્ડર છે તો ૧૭ સ્નાતક છે. અન્ય ૧૭ પાસે પ્રોફેશ્નલ સ્નાતક ડીગ્રી છે અને ૨૧ પ્રધાનો પોસ્ટ ગ્રેજ્યુએટ અને ૯ ડોકટર છે.

(11:31 am IST)