Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

આધુનિક ટેકનીક દ્વારા ખેડૂતોની આવક વધારવાની તૈયારી

કેન્દ્ર સરકારનું મહત્વપૂર્ણ પગલું

નવી દિલ્હી તા. ૧૦ :.. કેન્દ્ર સરકાર આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ (કૃત્રિમ બુધ્ધિમતા) ટેકનીકથી દેશના ખેડૂતોનું ભાગ્ય બદલવાની તૈયારીઓ કરી રહી છે. આ ટેકનીક ખેડૂતો માટે નફાની ખેતી સાબિત થઇ શકે છે. તેનાથી પાકની પડતર ઘટશે અને ખેડૂતોની આવક વધશે.સરકાર આ વર્ષે રવિ સીઝનથી દેશભરમાં આર્ટીફીશ્યલ ઇન્ટલીજન્સ ટેકનીક શરૂ કરી દેશે. કૃષિ વૈજ્ઞાનિકોનો દાવો છે કે આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ ટેકનીક પાકને જીવાતના હુમલા, રોગ અને માવઠાથી થનાર નુકસાનથી બચાવવામાં મદદરૂપ સાબીત થશે. આ ટેકનીક દ્વારા ખેડૂતોને વાવણીનો સમય, ખેતરમાં ભેજ, ખાતર-પાણીની યાત્રા, પુર અને દુકાળ બાબતે પહેલાથી જાણ કરી શકાશે. આ ટેકનીક દ્વારા બે અઠવાડીયાથી માંડીને બે મહીના પહેલાનું પુર્વાનુમાન થઇ શકશે. આની વિશેષતા એ છે કે ખેડૂતોને વ્યાપક સ્તર પર વ્યકિતગત ખેતીવાડી અંગેની સૂચના આપી શકાશે.કેન્દ્રિય કૃષિ મંત્રાલય, રાજયોની કૃષિ યુનિવર્સિટીઓ, મોસમ વિભાગ અને નીતિ આયોગના અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક આવતા મહીને થશે. ખરીફ સીઝન હવે ચાલુ થવાની તૈયારીમાં છે એટલે નવેમ્બરમાં રવી સીઝન દરમ્યાન દેશભરમાં આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ ટેકનીક લાગુ કરી દેવામાં આવશે. ખેડૂતોને કોલ સેન્ટરથી તેમના ફોન પર વોઇસ કોલ અને એસ. એમ. એસ. દ્વારા માહિતી આપવામાં આવશે.

કૃષિ મંત્રાલયના સુત્રોનું કહેવું છે કે આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સને કૃષિ ક્ષેત્રમાં લાગુ કરવાની જાહેરાત પહેલા થઇ ચુકી હતી. પણ દેશભરમાં ખેતીના આંકડા એકઠા કરવામાં સમય લાગ્યો હતો. હવે આ આંકડાઓ  મળી ચૂકયા છે.આ ટેકનીકથી ખેડૂતોને ખેતરમાં હળ જોડવા, વાવણી, સિંચાઇ અને કાપણી સુધીનો સાચો સમય પહેલાથી જાણવા મળશે. તેનાથી ખેડૂતો યોગ્ય સમયે નિર્ણય લઇ શકશે અને તેના પૈસા અને સંસાધનોની બચત થશે.

આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ આવી રીતે કામ કરશે

- આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ દ્વારા જીયો સ્ટેશનરી સેટેલાઇટ ઇમેજની મદદથી રીમોટ સેન્સીંગ ડેટાનું વિશ્લેષણ કરાય છે.

- તેના દ્વારા ખેતીના દરેક સ્તર પર સચોટ ભવિષ્યવાણી કરી શકાશે.

- આ ટેકનીકથી છેલ્લા કેટલાય દાયકાઓના પાક વાવણીના સમય અને હવા પાણીના ડેટાના આધારે વિશ્લેષણ કરવું સરળ બનશે.

- તેનાથી રાજય, જીલ્લા, તાલુકા અને ગામથી માંડીને ખેડૂતના ખેતર સુધીનું વિશ્લેષણ કરી શકાશે.

(3:59 pm IST)