Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

આધાર નંબરને 'ઓથેન્ટીકેટ' કરાવવામાં પડતી મુશ્કેલી માટે ઉકેલ કાઢવો જરૂરી

આધાર કાર્ડની સુનાવણી સમયે જસ્ટીસ ચંદ્રચૂડે આંખ ઉઘાડનારો પોતાનો અંગત અનુભવ દર્શાવ્યો : નાણાની ખરેખર જરૂર હોય ત્યારે આધાર નંબર 'ઓથેન્ટીકેટ' ન થાય તો ભારે મુશ્કેલી સર્જાયઃ સુપ્રીમમાં સુનાવણી

નવી દિલ્હી તા. ૧૦ : સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડે આજે 'આધાર કાર્ડ' અંગે કેસની સુનાવણી કરતા વ્યકિતગત અનુભવનો ઉલ્લેખ કર્યો હતો. ડી.વાય. ચંદ્રચૂડ ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ વાય.વી.ચંદ્રચૂડના પુત્ર છે. તેમણે કેસની સુનાવણી વખતે પોતાની માતાને પેન્શનની રકમ મેળવવા માટે આધાર નંબરને પ્રમાણભૂત(ઓથેન્ટિકેટ) કરવામાં પડી રહેલી મુશ્કેલીનો ઉલ્લેખ કર્યો હતો.

નોંધનીય છે કે આધાર નંબરની કાયદાકીય માન્યતાને લઈને સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજી અંગે પાંચ જજોની બેંચ દ્વારા સુનાવણી કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટના વડા દીપક મિશ્રાના વડપણ હેઠળની બંધારણીય બેંચમાં જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ પણ સામેલ છે.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ એ.કે. સિકરી, જસ્ટિસ એ.એમ.ખાનવિલકર, જસ્ટિસ અશોક ભૂષણની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે જે લોકોને ખરેખર નાણાની જરૂર હોય એ સમયે જ આધાર નંબર 'પ્રમાણભૂત - ઓથેન્ટીકેટ' ન થઈ શકે તો મુશ્કેલી ઉભી થઈ શકે છે. આ બાબતે કોઈ સમાધાન - તોડ લાવવી જરૂરી છે.

જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે પોતાનો વ્યકિતગત અનુભવ જણાવતા કહ્યું હતું કે, 'મારા પિતાના નિધન બાદ માતા ફેમિલિ પેન્શન મેળવવા માટે હકદાર છે. હાલમાં તેઓ અલ્ઝાઇમરની બીમારીથી પીડાઈ રહ્યા છે. તેમણે ઓથેન્ટિકેશન માટે પોતાના અંગૂઠાની નિશાની આપવી પડે છે. મને યાદ છે કે દર મહિને બેંકનો અધિકારી કે પછી તેનો પ્રતિનિધિ મારા ઘરે આવે છે. તે કોઈ ચોક્કસ કાગળો પર તેમના અંગુઠાનું નિશાન લે છે, બાદમાં જ તેમને પેન્શનની રકમ મળે છે.'

ન્યાયાધીશે વધુમાં કહ્યું હતું કે, 'ઓથેન્ટિકેશન એક ગંભીર પ્રશ્ન છે. પેન્શનની રકમ કોઈ ભેટ કે ઉપકારની રકમ નથી. આપણે આ સમસ્યાનો ઉકેલ લાવવો પડશે. એવા અનેક જરૂરિયાતમંદ લોકો હશે જે આધાર ઓથેન્ટિકેશનને કારણે મળવાપાત્ર લાભથી વંચિત રહેતા હશે.'

જસ્ટિસ ચંદ્રચૂડ સીનિયર એડ્વોકેટ શ્યામ દિવાન તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા. દિવાન દલીલ કરી રહ્યા હતા કે ૯૦ વર્ષીય મહિલા કે જે વિવિધ બીમારીથી પીડાઈ રહી છે તેને કહેવામાં આવ્યું છે કે તેના બેંક એકાઉન્ટનું આધાર ઓથેન્ટિકેશન થઈ શકયું નથી. આવા કિસ્સામાં તેનું એકાઉન્ટ બંધ થઈ શકે છે. દીવાને દલીલ કરી હતી કે બેંક એકાઉન્ટ દ્વારા તેને પેન્શનની રકમ મળે છે. આ રકમ દ્વારા જ તેની સારવાર કરવામાં આવી રહી છે. હાલમાં તેની સારસંભાળ રાખનાર પણ કોઈ નથી.

(3:54 pm IST)