Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ફ્લિપકાર્ટે વોલમાર્ટને ૭૭ ટકા હિસ્સેદારી આખરે વેચી દીધી

વિશ્વની હજુ સુધીની સૌથી મોટી પૈકીની ઇ-કોમર્સ સમજૂતિ થઇ :વોલમાર્ટ અને ફ્લિપકાર્ટના ટોચના અધિકારીઓની બેંગ્લોરમાં ટાઉનહોલ મિટિંગ યોજાઈ :ફ્લિપકાર્ટના શેર ખરીદી લેવા મહત્વની સમજૂતિ થઇ ગઇ

નવીદિલ્હી,તા. ૯ :દેશની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ આજે અમેરિકાની મહાકાય કંપની વોલમાર્ટના હાથે વેચાઈ ગઈ હતી. કોર્પોરેટ જગતમાં સૌથી મોટી સમજૂતિ તરીકે આને ગણવામાં આવે છે. આ સમજૂતિ ઉપર છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. ભારતની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ ૧૬ અબજ ડોલરમાં વોલમાર્ટને ૭૭ ટકા હિસ્સેદારી વેચવા માટે સંમત થઇ ગઇ હતી. ફ્લિપકાર્ટ અને વોલમાર્ટના ટોપ અધિકારીઓની આજે બેંગ્લોરમાં ટાઉનહોલ મિટિંગ યોજાઈ હતી જેમાં વોલમાર્ટે ફ્લિપકાર્ટના ૭૦ ટકા શેરને ખરીદવાનો નિર્ણય કરી લીધો હતો. ઇ-કોમર્સ કંપનીમાં તેની પકડને વધારે મજબૂત કરવાના હેતુસર ફ્લિપકાર્ટના ફ્રેશ સિક્યુરિટી તરીકે ૨-૩ અબજ ડોલર અથવા તો ૧૩૦૦૦ કરોડ રૂપિયા ઠાલવવાની યોજના ધરાવે છે. સોફ્ટ બેંકના સીઈઓ માસાયોસી સન દ્વારા આ મુજબની જાહેરાત કરવામાં આવી હતી. આ મિટિંગમાં વોલમાર્ટના સીઈઓ ડગ મેકમિલન સહિત બંને કંપનીઓના ટોપ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આશરે આશરે ૧૩ ખર્વ રૂપિયા મૂલ્યની ફ્લિપકાર્ટ અને દુનિયાની સૌથી મોટી રિટેલ ચેઇન વોલમાર્ટ વચ્ચે થયેલી આ સમજૂતિ ભારતની સૌથી મોટી અધિગ્રહણ સમજૂતિ પૈકીની એક છે. આ ડિલ બાદ ફ્લિપકાર્ટના બે સ્થાપકમાં એક બિલ્લી બંસલના નેતૃત્વમાં સંચાલિત રહેશે જ્યારે બીજા સ્થાપક સચિન બંસલ કંપનીમાં પોતાની ૫.૫ ટકાની હિસ્સેદારી વેચીને બહાર થવાનો નિર્ણય કરી ચુક્યા છે. ફ્લિપકાર્ટના શરૂઆતી રોકાણકારોમાં રહી ચુકેલા ટાઇગર ગ્લોબલ અને એસ્સેલ પાર્ટનરની પણ ટેસેંટની સાથે પોતાની નાનકડી હિસ્સેદારી યથાવત રહેશે. ફ્લિપકાર્ટના ૨૦ ટકા શેર ધરાવનાર જાપાની સોફ્ટ બેંક પણ વોલમાર્ટને પોતાના શેર વેચીને કંપનીમાંથી નિકળી જશે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ન્યુયોર્કના હેઝફંડ ટાઇગર ગ્લોબલ અને અમેરિકાની પ્રાઇવેટ ઇક્વિટી કંપની એસ્સેલ પાર્ટનર્સ પણ પોતાની હિસ્સેદારી વેચા દેશે. ચીનની ટેસેંટ હોલ્ડિંગ વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટમાં યથાવતરીતે રહેશે. ઇ-રિટેલરમાં સૌથી મોટા રોકાણકાર સોફ્ટ બેંકે કહ્યું છે કે, વોલમાર્ટ-ફ્લિપકાર્ટ સમજૂતિ મંગળવારે રાત્રે કરવામાં આવી હતી જ્યારે ભારતીય સમજુતિ આજે બપોરે થઇ હતી. તમામ લોકો જાણે છે કે, હરીફ કંપની એમેઝોને પણ ફ્લિપકાર્ટમાં હિસ્સેદારી મેળવવા માટે તૈયારી દર્શાવી હતી પરંતુ ભારતીય ઓનલાઈન રિટેલરે વોલમાર્ટ દ્વારા કરવામાં આવેલી ઓફર પર તૈયારી દર્શાવી હતી. આ સમજૂતિને વિશ્વની સૌથી મોટી ઇ-કોમર્સ સમજૂતિ તરીકે ગણવામાં આવે છે. આની સાથે જ એમેઝોન સાથે વોલમાર્ટની સ્પર્ધા વધુ તીવ્ર બનશે. એમેઝોન દ્વારા ભારતમાં ૨૬૦૦ કરોડ રૂપિયા ઠાલવવાની જાહેરાત પહેલાથી જ કરી દીધી છે. આની સાથે જ રકમનો આંકડો ૧૦૭૫૦ કરોડનો થઇ ગયો છે.

(12:00 am IST)