Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

જો સ્‍વતંત્ર અેજન્‍સીની તપાસમાં કશુ ખોટુ થયાનું બહાર આવે તો નાદારી નોંધાવનાર કંપની અેજ્યુકોમ્‍પ માટે નવેસરથી બિડીંગ કાર્યવાહી કરવા ભાજપના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણની અરજી

નવી દિલ્હીઃ નાદારી નોંધાવનાર કંપની એજ્યુકોમ્પ સોલ્યુશન્સ સામે અત્યારે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)માં ઈનસોલ્વન્સીની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે આ કંપનીમાં સ્વતંત્ર ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ દ્વારા તપાસ કરાવવા માટે વર્લ્ડ બેન્ક ગ્રૂપની ખાનગી કંપની ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન (IFC) અને ભાજપના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે અલગઅલગ અરજીઓ દાખલ કરી છે.

IFC દ્વારા શુક્રવારે કરવામાં પિટિશનમાં દાખલ કરવામાં આવી હતી જ્યારે પંચમહાલ બેઠકમાંથી સાંસદ તરીકે ચૂંટાયેલા પ્રભાતસિંહ ચૌહાણે પણ આ જ દિવસે NCLTના પ્રેસિડન્ટ એમ એમ કુમારને પત્ર લખ્યો હતો. IFCએ મીડિયામાં આવેલાપ્રેફરન્શિયલ ટ્રાન્ઝેક્શન્સના અહેવાલોની તપાસ કરવાની વિનંતી કરી છે અને જો સ્વતંત્ર એજન્સીની તપાસમાં કશું ખોટું થયાનું બહાર આવે તો એજ્યુકોમ્પ માટે નવેસરથી બિડિંગ કાર્યવાહી કરવાની માંગણી કરી છે. IFCની પિટિશન અંગે 15 મેના રોજ NCLT સુનાવણી કરશે.

પ્રભાતસિંહ ચૌહાણે એજ્યુકોમ્પમાં થયેલા બેન્કિંગ અને ઈનસોલ્વન્સી કૌભાંડમાં તાત્કાલિક તપાસ કરવાની માંગણી કરી છે અને નાસ્ડેક પર લિસ્ટેડ એબિક્સ સફળ બિડર બને તે માટે એજ્યુકોમ્પના પ્રમોટર અને બેન્કોએ સાથે મળીને કૌભાંડ આચર્યું હોવાનો આરોપ મૂક્યો છે. IFC દ્વારા ફાઇલ કરવામાં આવેલી પિટિશન અને સંસદ સભ્યએ લખેલા પત્રની સમીક્ષા કરાઇ હતી. પ્રભાતસિંહે આ પત્રની નકલ કેન્દ્રની તપાસ એજન્સીઓ SFIO, CBI અને CVCને પણ મોકલી છે.

IFCએ ઈનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC)ના સેક્શન 65 હેઠળ પિટિશન કરી છે. IFCના પ્રવક્તાએ આ બાબત કાનૂની પ્રક્રિયામાં હોવાનું જણાવીને ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો. IFCનો કેસ સિરિલ અમરચંદ મંગલદાસના પાર્ટનર બિશ્વજીત દૂબે લડી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ઇકોનોમિક ટાઇમ્સે 16 એપ્રિલ અને 2 મેના રોજ અહેવાલ આપ્યા હતા કે, કંપનીની નાદારીની કાર્યવાહી દરમિયાન તપાસ માટે નીમવામાં આવેલા ફોરેન્સિક ઓડિટર BDOને કંપનીમાં પ્રેફરન્શિયલ ટ્રાન્ઝેક્શન થયાં હોવાનું તેમજ એકાઉન્ટિંગ નિયમોમાં ચેડાં થયાં હોવાનું માલૂમ પડ્યું છે. જોકે, ગ્રાન્ટ થોર્ન્ટન અને અમેરિકાની કંપની ક્રોલ દ્વારા થયેલી સ્વતંત્ર તપાસમાં કશું વાંધાજનક ન હોવાનું તારણ આપવામાં આવ્યું હતું.

એજ્યુકોમ્પ પાસેથી બેન્કોએ ₹3,000 કરોડ લેવાના નીકળે છે. એજ્યુકોમ્પે મે-2017માં નાદારીની કાર્યવાહી માટે અરજી કરી હતી. બાદમાં કંપનીને વેચવા માટે હરાજીની કાર્યવાહી થઈ હતી, જેમાં નાસ્ડેક પર લિસ્ટેડ એબિક્સ ₹325 કરોડની ઓફર સાથે સર્વોચ્ચ બિડર બની હતી. આ ઓફર ભાવ ₹3,000 કરોડની લોન કરતાં 90 ટકા ઓછો છે. આ ઓફરને 75 ટકા ક્રેડિટર્સની સ્વીકૃતિ મળી હતી અને તેને NCLT પાસે મંજૂરી માટે મોકલવામાં આવી હતી. IFCએ પણ ક્રેડિટર તરીકે મંજૂરી આપી હતી.

(12:00 am IST)