Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

ચીન - ભારત પછી ટ્રમ્પની હડફેટે યુરોપિયન યુનિયન

અનેક ચીજ વસ્તુઓ ઉપર ૧૧.૨ અબજ ડોલરની આયાત ડ્યુટી ઝીંકશે : યુરોપિયન યુનિયન સાથેની મંત્રણા પર બ્રેક લાગશે

લંડન, તા.૧૦ : અમેરિકા ૧૧.૨ અબજ ડોલરની યુરોપિયન યુનિયનની વસ્તુઓ પર આયાત ડયુટી વધારશે. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર અમેરિકાએ જે રીતે ચીનની વસ્તુઓ આયાત ડયુટી વધારી છે તેટલા પ્રમાણમાં યુરોપની વસ્તુઓ પર આયાત ડયુટી વધારવામાં આવશે નહીં. અમેરિકાની આ જાહેરાતથી યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે આયાત ડયુટી મુદ્દે ચાલી રહેલી મંત્રણા પર બ્રેક લાગશે તેમ મનાય છે.

યુએસ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ ઓફિસ દ્વારા યુરોપિયન યુનિયનની જે વસ્તુઓ પર આયાત ડયુટી વધારવામાં આવનાર છે તેની યાદી જાહેર કરવામાં આવી હતી.

અમેરિકાનો આરોપ છે કે યુરોપિયન યુનિયન અયોગ્ય રીતે વિમાન નિર્માતા કંપની એરબસને સબસિડી આપી રહી છે. આ અગાઉ અમેરિકાએ ૨૦૦૪માં પણ એરબસને અયોગ્ય રીતે મદદ કરવા બદલ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન(ડબ્લ્યુટીઓ)માં ફરિયાદ કરી હતી.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે યુરોપિયન યુનિયનમાંથી આયાત થતા સ્ટીલ પર ૨૫ ટકા અને એલ્યુમિનિયમ પર ૧૦ ટકા ડયુટી નાખી હતી.

જેના જવાબમાં યુરોપિયન યુનિયને પણ અમેરિકાની ૩.૪ અબજ ડોલરની વસ્તુઓ પર ડયુટી વધારી હતી. જેમાં સ્ટીલ, કૃષિ સહિતની વસ્તુઓ સામેલ હતી. ઉલ્લેખનીય છે કે ૭૩૭ મેકસ કોમર્શિયલ જેટમાં ખામી સર્જાતા અમેરિકાની બોઇંગ કંપનીની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

(11:43 am IST)