Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

ઘાયલ થયા બાદ મમતા બેનર્જી કોલકાતાની હોસ્પિટલમાં દાખલ: ચુંટણી પંચે માંગ્યો રિપોર્ટ

ગાડી પાસે ઉભેલા હતા ત્યારે અજાણ્યા શખ્શોએ દરવાજાને ધક્કો મારતા ઇજા થયાનો આક્ષેપ :ભાજપને ઉચ્ચસ્તરીય તપાસ માંગી

પશ્ચિમ બંગાળના નંદિગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઈજાગ્રસ્ત થયા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીને કોલકાતાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મમતા નંદીગ્રામના રિયાપરા વિસ્તારમાં આવેલા એક મંદિરની બહાર ઉભા હતા, ત્યારે તેની સાથે આ ઘટના બની. મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો છે કે તેમને ધક્કો મારવામાં આવ્યો હતો, જેના કારણે તેમના એક પગ પર ઘાવનાં કારણે સોજો થઈ ગયો છે. આ ઘટના બાદ ચૂંટણી પંચે સક્રિય દર્શાવતા સમગ્ર ઘટનાનો વિગતવાર અહેવાલ માંગ્યો છે.

ઈજા પહોંચ્યા પછી, બેનર્જીએ કહ્યું કે હું મારી કારની બહાર ઉભો હતી, જેનો દરવાજો ખુલ્લો હતો. હું ત્યાં મંદિરમાં પ્રાર્થના કરવા જઇ રહી હતી.

કેટલાક લોકો મારી ગાડી પાસે આવ્યા અને દરવાજાને ધક્કો માર્યો અને દરવાજો મારા પગને લાગ્યો. મુખ્યમંત્રીએ દાવો કર્યો કે ઈજાને કારણે તેમના એક પગ પર સોજો આવી ગયો છે અને તેમને તાવ છે. તેમણે પત્રકારોને જણાવ્યું કે ઘટના સમયે કોઈ સ્થાનિક પોલીસ કર્મચારી હાજર નહોતા.

નંદીગ્રામથી તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડી રહેલા બેનર્જીએ આરોપ લગાવ્યો કે આ ઘટના પાછળ કોઈ ષડયંત્ર છે. આ ઘટના પછી, મુખ્યમંત્રી ઝેડ-પ્લસની સુરક્ષા ભોગવતા હોવાથી સુરક્ષાને લઈને પ્રશ્નો ઉભા થયા છે. બેનર્જીએ રાત નંદીગ્રામમાં પસાર કરવી પડી, પરંતુ કોલકાતા લાવવામાં આવ્યા. તે છેલ્લા બે દિવસથી પૂર્વ મેદનીપુર જિલ્લામાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આજે જ તેમણે હલ્દીયામાં ઉમેદવારી પત્ર ભર્યું છે.

દરમિયાન BJPએ ચૂંટણી પંચ સમક્ષ આ મામલે ઉચ્ચ-સ્તરની તપાસની માંગ કરી છે. બંગાળમાં BJPના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયાએ ટ્વીટ કર્યું કે, હું મહાકાલનાં શહેરમાં છું. મને હમણાં જ માહિતી મળી છે કે મમતાજી ઘાયલ થયા છે. હું બાબા મહાકાલને તે જલદીથી સ્વસ્થ થાય તેની પ્રાર્થના કરું છું. આ ઘટના અંગે કોઈ રાજકારણ ન હોવું જોઈએ, તેથી ચૂંટણી પંચે તેની ઉચ્ચ સ્તરીય તપાસ કરવી જોઈએ. જો કોઈ દોષી હોય તો તેને સખત સજા થવી જોઈએ.

(12:36 am IST)