Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

મમતા પર કોંગ્રેસનો પ્રહાર : કહ્યું- હિઝાબ પહેરવાની વાતો કરનારાઓ હવે હિંદુ-હિંદુ કરે છે, બ્રાહ્મણ મહિલા ગણાવે છે

પીએમ મોદી કરતા વધારે પૂજા પાઠ કરવા લાગ્યા મમતા : મોદીએ સમજવું પડશે કે હવે તેઓ આ મામલે એકલા નથી

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી ઝુંબેશ ચરમસીમાએ છે. મંગળવારે મળેલી બેઠકમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ત્રણ મિનિટ સુધી ચંડીપાઠ કર્યો. હોટ સીટ બની ગયેલા નંદીગ્રામ માં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે તેઓ પણ હિંદુ છે અને તેમની સાથે હિંદુ કાર્ડ ના રમો. ભારતીય જનતા પાર્ટીએ જાહેર સભામાં ચંડીપાઠ કરવા પર મમતા પર હુમલો કર્યો છે, તો કોંગ્રેસ પણ પાછળ નથી. પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અધિર રંજન ચૌધરીએ મમતાના મતદાન પહેલાના 'સૉફ્ટ હિન્દુત્વ' પર પહેલા પ્રશ્નો ઉભા કર્યા છે.

 

ચૌધરીએ કહ્યું કે, પ્રધાનમંત્રી  મોદી જ્યારથી બંગાળમાં પ્રચાર કરવા આવ્યા છે, ત્યારથી મમતા બેનર્જીએ હિંદુ-હિંદુ કરવું પડી રહ્યું છે.

આ  મોદીની સફળતા હોઈ શકે છે. હવે મમતા બેનર્જી નરેન્દ્ર મોદી કરતા વધારે પૂજા પાઠ કરવા લાગ્યા છે. મોદીએ સમજવું પડશે કે હવે તેઓ આ મામલે એકલા નથી. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, મમતા બેનર્જી પહેલીવાર પોતાને બધાની સામે બ્રાહ્મણ મહિલા ગણાવી રહ્યા છે.

એક ટીવી ચેનલ સાથે વાત કરતાં અધિર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, થોડાક દિવસો પહેલા મમતા બેનર્જી લોકોને કહેતા હતા કે તેઓ હિઝાબ પહેરે છે અને મુસ્લિમોનું રક્ષણ કરે છે, પરંતુ આજે એવો સમય આવી ગયો છે કે તેમણે દરેકને સાબિત કરવું પડી રહ્યું છે કે તેઓ પણ હિંદુ છે. હવે તેમનું વલણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. આ બધું નરેન્દ્ર મોદીના કારણે થયું છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે મમતાના ચંડીપાઠ કરવા પર તેમના પ્રતિસ્પર્ધી સુવેન્દુ અધિકારીએ નંદીગ્રામમાં વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે મમતાએ ખોટા મંત્રનો પાઠ કર્યો છે. આ અગાઉ તેઓ અનેક વખત ભગવાન રામનું અપમાન કરી ચૂક્યા છે. તેમણે અગાઉ ખોટા સરસ્વતી મંત્રનો જાપ કર્યો હતો. હવે ફરી ખોટા મંત્રનો જાપ કર્યો. તેઓએ બંગાળની સંસ્કૃતિનું આ રીતે વારંવાર અપમાન કર્યું છે.

(12:30 am IST)