Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

500 કરોડની હિરોઈન કેસમાં આરોપી રમઝાન પાલાણીએ રેગ્યુલર જામીન માંગ્યા

કંડલા પાસેના દરિયાઈ માર્ગ થી એક બોટમાં અંદાજે 500 કરોડનો હેરોઇન નશાનો જથ્થો એટીએસે ઝડપ્યો હતો

પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે ભારતમાં કરોડો રૂપિયાનો નશાનો જથ્થો ઘુસાડવાના મામલે ગુજરાત એટીએસે 6 જેટલા આરોપીઓની ગયા વર્ષે ધરપકડ કરી હતી. કંડલા પાસેના દરિયાઈ માર્ગ થી એક બોટમાં અંદાજે 500 કરોડનો હેરોઇન નશાનો જથ્થો ચોક્કસ બાતમીના આધારે ગુજરાત એટીએસની ટીમે પકડી પાડી હતી.આ મામલે પકડાયેલા રમઝાન પાલાણી સહીત કુલ 6 ઈસમોની ધરપકડ કર્યા બાદ તેમને એટીએસના અમદાવાદના હેડ કવોટર્સ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તેમની સાથે ઉચ્ચ અધિકારીઓએ પુછપરછ હાથ ધર્યા બાદ તેમને જેલ હવાલે મોકલી દીધા હતા.

આરોપી રમઝાન પાલાણીએ સ્પેશિયલ એનઆઈએ કોર્ટમાં બનાવના એક વર્ષ બાદ રેગ્યુલર જામીન અરજી દાખલ કરાવી છે. જામીન અરજી ઉપર વધુ સુનવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે, ભારતની યુવાપેઢીને નશાના રવાડે ચડાવીને તેમના ભવિષ્યને બરબાદ કરવા માટે પાકિસ્તાનના માફિયાઓ દ્વારા આ ષડયંત્ર પાર પાડવામાં આવી રહ્યું હતું. જોકે, તેઓ પોતાના નાપાક મનસૂબામાં સફળતા હાસિલ કરે તેની પહેલા જ ગુજરાત એટીએસે તેમની કરતૂતોને રંગેહાથે ઝડપી લઈને કરોડો રૂપિયાનો નશાનો જથ્થો ઝડપી પાડયો હતો.

(9:20 pm IST)