Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

બ્રિટનના મહિલા સાંસદે કૃષિ કાયદા પર ભારતનો બચાવ કર્યો

ખેડૂત આંદોલન અંગે બ્રિટનની સંસદમાં ચર્ચા થઈ : કૃષિ કાયદામાં દુનિયામાં જ્યાં પણ સુધારાઓ થયા છે ત્યાં જોરદાર વિરોધ થયો છેઃ થેરેસા વિલિયર્સનો મત

નવી દિલ્હી, તા. ૧૦ : ભારતમાં નવા કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા આંદોલનને લઈને બ્રિટનની સંસદમાં સોમવારે ચર્ચા થઈ હતી.એક તરફ ઘણા સાંસદોએ મોદી સરકાર પર હુમલો કર્યો હતો ત્યારે સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ થેરેસા વિલિયર્સે ખડકની જેમ ઉભા રહીને ભારતનો બચાવ કર્યો હતો.

થેરેસાએ સ્પષ્ટ કહ્યુ હતુ કે, આ ભારતનો આંતરિક મામલો છે અને તેના પર વિદેશી સંસદમાં ચર્ચા થઈ શકે નહી.કૃષિ કાયદામાં દુનિયામાં જ્યાં પણ સુધારા થયા છે ત્યાં વિરોધ થયો છે.ભારતમાં ખેડૂતોને પોતાનુ ભવિષ્ય નવા કાયદાથી અસુરક્ષિત હોવાનુ લાગે છે પણ પીએમ મોદીની સરકાર વારંવાર કહી ચુકી છે કે, આ સુધારા કરવાનો હેતુ એવા લોકોની આવક વધારાવાનો છે જે નાના ખેડૂતો છે અને સાથે સાથે નવા કાયદાથી ખેતીમાં રોકાણ વધારવાનો પણ સરકારનો ઈરાદો છે.

થેરાસાએ કહ્યુ હતુ કે, જ્યારે લાખો લોકો દેખાવોમાં સામેલ થતા હોય છે ત્યારે કોઈ પણ પ્રકારની પોલીસ કાર્યવાહીને લઈને વિવાદ સર્જાવાની શક્યતા રહેતી જ હોય છે. સંસદમાં લગભગ ૯૦ મિનિટ સુધી તેના પર ચર્ચા ચાલી રહી હતી અને આ દરમિયાન થેરાસાનુ કહેવુ હતુ કે, આ ભારતનો આંતરિક મામલો છે અને તેના પર અહીંયા ચર્ચા થવી જોઈએ નહીં. દરમિયાન ભારતના હાઈ કમિશને પણ આ પ્રકારની ચર્ચાને એક તરફી ગણાવીને કહ્યુ હતુ કે, કેટલાક સાંસદોએ ભારત અંગે સાવ ખોટા દાવા કર્યા છે.

(7:42 pm IST)