Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાની ઘટના

ફરિયાદી મહિલાને પીડા થતાં કોન્સ્ટેબલે ડિલિવરી કરાવી

નર્સિંગનું ભણેલી મહિલા કોન્સ્ટેબલે ડિલિવરી કરાવ્યા બાદ માતા અને નવજાત પુત્રી બન્ને સ્વસ્થ હોવાનો દાવો

છિંદવાડા, તા. ૧૦ : મધ્યપ્રદેશના છિંદવાડા ડિલ્લામાં સગર્ભા રેપ પીડિતા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ કરવા આવી હતી. આ દરમિયાન તેને પ્રસવની પીડા શરૃ થઈ. મહિલા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં જ તેની સુરક્ષિત ડિલિવરી કરાવી હતી. પીડિતાએ એક બાળકીને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ માતા અને પુત્રી સંપૂર્ણ સ્વસ્થ છે.

મળતી માહિતી પ્રમાણે, લાવાઘોઘરી પોલીસ સ્ટેશન વિસ્તારના ધગડિયામાલ ગામની એક ૨૦ વર્ષિય યુવતી તેની સાથે બનેલી ઘટના અંગે ફરિયાદ નોંધાવવા આવી હતી. તે મંગળવારે બપોરે ૧૨ વાગ્યે પોલીસ સ્ટેશન પહોંચી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું કે, તે સાત મહિનાની ગર્ભવતી છે. જો કે, થોડા સમય બાદ તેને પ્રસવની પીડા શરૃ થઈ ગઈ. તે પછી મહિલા કોન્સ્ટેબલ શીતલ બાઘમારેએ તેની ડિલિવરી કરાવી હતી.

બીજી તરફ ધગડિયામાલ ગામથી આવેલા ગ્રામજનોએ લાવાઘોઘરી પોલીસ પર એફઆઈઆર ન નોંધી હોવાનો આક્ષેપ કર્યો છે. જિલ્લા સદસ્ય ધર્મરાજ કુમરેએ જણાવ્યું હતું કે તેઓ લાવાઘોઘરી પોલીસ સ્ટેશનમાં યુવતી પર બળાત્કારનો રિપોર્ટ નોંધાવવા માટે ગ્રામજનો સાથે આવ્યા હતા, પરંતુ પોલીસે ફરિયાદ નોંધી નથી. આ કારણે પીડિતા અને ગ્રામજનો હેરાન થતા રહ્યા.

આરોપ છે કે ધગડિયામાલ ગામનો એક યુવક યુવતી સાથે લગ્નની લાલચ આપીને તેની સાથે બળાત્કાર ગુજારતો હતો, ત્યારબાદ મહિલા ગર્ભવતી થઈ હતી. જ્યારે મહિલાએ લગ્ન કરવા દબાણ કર્યું ત્યારે યુવકે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ પછી જ પીડિતા ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ડિલિવરી કરાવનાર મહિલા કોન્સ્ટેબલ શીતલ બાગમરેએ જણાવ્યું કે, ૨૦ વર્ષીય યુવતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવી હતી. તેણે પોલીસ મથકે જણાવ્યું કે હું ૭ મહિનાથી ગર્ભવતી છું, પરંતુ તેણીને થોડા સમય પછી તકલીફ થવા માંડી. ત્યારબાદ તેણે પોલીસ સ્ટેશનમાં બાળકીને જન્મ આપ્યો હતો. પોલીસ સેવામાં જોડાતા પહેલા મેં નર્સિંગનો અભ્યાસ કર્યો હતો, તેનો જ લાભ મળ્યો. પીડિતા અને તેના બાળકને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

(7:42 pm IST)