Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

કેરાલામાં ત્રીજા મોરચા તરીકે ભાજપ સમર્થિત NDAની ચર્ચા

કેરાલામાં પણ ભાજપ તેનું સેટિંગ કરવાની વેતરણમાં : ભાજપ દ્વારા આ વખતે હિન્દુઓની સાથે સાથે ખ્રિસ્તીઓને પોતાની તરફેણમાં લાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે

નવી દિલ્હી, તા. ૧૦ : કેરાલા વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ સમર્થિત યુડીએફ અને લેફ્ટ પાર્ટીઓના સમર્થનવાળા ગઠબંધન એલડીએફની  સાથે સાથે હવે ત્રીજા મોરચા તરીકે ભાજપ સમર્થિત એનડીએની પણ ચર્ચા ચાલી રહી છે. ભાજપ ગઠબંધન દ્વારા આ વખતે એવુ સમીકરણ ગોઠવવાના પ્રયાસો થઈ રહ્યા છે જેની આ પહેલા કલ્પના પણ થઈ શકે તેમ નહોતી.ભાજપ દ્વારા આ વખતે હિન્દુઓની સાથે સાથે ખ્રિસ્તીઓને પોતાની તરફેણમાં લાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે.આ પ્રયત્નોની અસર પણ દેખાવા માંડી છે.

કેરાલાના માલાકાર ઓર્થોડોક્સ સિરિયન ચર્ચે પોતાના અનુયાયીઓને ભાજનપા ઉમેદવાર બાલાશંકરને જીતાડવા માટે અપીલ કીર છે.કારણકે તેમણે ચર્ચને બચાવવા માટે બહુ મોટુ યોગદાન આપ્યુ હતુ.હાઈવે પહોળો કરવા માટે ચર્ચને તોડી નાંખવાનુ નક્કી કરાયુ હતુ ત્યારે બાલાશંકરે સરકારનો આદેશ રોકાવડાયો હતો.

ભાજપ દ્વારા ખ્રિસ્તીઓને પોતાની તરફેણમાં લાવવાના પ્રયત્નો સફળ થયા તો આ વખતે ભાજપ કેરાલાની ચૂંટણીમાં ઈતિહાસ રચી શકે તેમ છે.કેરાલામાં ખ્રિસ્તી સમુદાયની વસતી ૧૯ ટકા છે અને આ સમુદાય યુડીએફ અને એલડીએફથી નારાજ ચાલી રહયો છે.ભાજપ તેનો ફાયદો ઉઠાવવા માંગે છે.

આ પહેલા પીએમ મોદીએ આ સમુદાયના મુખ્ય ત્રણ પાદરીઓ સાથે એક બેઠક પણ કરી હતી અને આ સમુદાયના પ્રશ્નો અંગે ચર્ચા પણ કરી હતી.પીએમ મોદી સાથેની મુલાકાતને પાદરીઓએ પણ બહુ સકારાત્મક ગણાવી હતી.

જાણકારોનુ કહેવુ છે કે, કેરાલામાં હિન્દુ અને ખ્રિસ્તી સમુદાય જે મુદ્દાઓ પર સાથે છે તેમાં એક લવ જેહાદ પણ છે અને તેમનો આરોપ છે કે, અહીંયા મુસ્લિમોના કેટલાક સંગઠનો લવ જેહાદને પ્રોત્સાહન આપી રહ્યા છે. જોકે વર્ષોથી હિન્દુઓ અને ખ્રિસ્તીઓનો મોટો સમુદાય એલડીએફ અને યુડીએફ  સાથે રહે છે એટલે ભાજપ માટે આ વોટબેક્નમાં ગાબડુ પાડવાનુ કામ એટલુ આસાન પણ નહીં હોય.

 

 

સિલિકોન વેલીના દોઢ લાખ સિક્યુરીટી કેમેરા હેક કરાયા

અમેરિકામાં હેકર્સ ગ્રુપનું કારસ્તાન : હોસ્પિટલો, કંપનીઓ, પોલીસ વિભાગ, જેલ, સ્કૂલોમાં લગાવાયેલા કેમેરાની લાઈવ ફિડ હેકરો સુધી પહોંચી છે

નવી દિલ્હી, તા. ૧૦ : અમેરિકામાં હેકર્સના એક ગ્રૂપ દ્વારા સિલિકોન વેલી ખાતે આવેલી વેરકાડા નામની કંપનીના સિક્યુરિટી કેમેરાના ડેટા હેક કરી લેવામાં આવ્યા છે. આ હેકિંગના કારણે કંપની દ્વારા હોસ્પિટલો, કંપનીઓ, પોલીસ વિભાગ, જેલ તેમજ સ્કૂલોમાં લગાવાયેલા દોઢ લાખ જેટલા કેમેરાની લાઈવ ફિડ હેકરો સુધી પહોંચી ચુકી છે.

આ પૈકીના ઘણા કેમેરા ચહેરો ઓળખવા માટેની ટેકનોલોજીથી સજ્જ છે અને તેનો ડેટા પણ હેકર્સના હાથમાં પહોંચી ચુક્યો છે.હેકર્સનો દાવો છે કે, અમારી પાસે વેરકાડાના તમામ ગ્રાહકોના વિડિયો આર્કાઈવ્સ પણ આવી ચુક્યા છે.

કંપનીના ગ્રાહકોમાં ટેસ્લા અને બીજી જાણીતી કંપનીઓ સામેલ છે.હેકર્સે પૂરાવા રુપે ટેસ્લા કંપનીનો એક વિડિયો પણ શેર કર્યો છે.હેકર્સનો દાવો છે કે, અમે કેમેરા એટલા માટે હેક કર્યા છે કે લોકોને ખબર પડે કે કઈ હદે કંપનીઓમાં નજર રાખવામાં આવે છે અને સાથે સાથે આ સિસ્ટમ અમે બ્રેક પણ કરી શકીએ છે.

(7:40 pm IST)