Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

વિશ્વ ઓબેસિટી દિવસ 4 માર્ચ 2021 : જનજાગૃતિ લાવી તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ

દિપ્તીબેન જાની દ્વારા , ન્યુજર્સી : વિશ્વમાં ઓબેસિટી ( જાડાપણું ) નું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે.આપણી આધુનિક જીવનશૈલીમાં ફાસ્ટ ફૂડ અને ચટપટા સ્વાદવાળા ખોરાક ,બેઠાળુ જીવન ,તથા શ્રમ કસરતનો અભાવ ,તેમજ વધુ પડતો તનાવ આ માટે કારણભૂત છે.

લોકોમાં જનજાગૃતિ કેળવવા અને ઓબેસિટીનું પ્રમાણ ઘટાડવા અને તેનાથી થતી ગંભીર બીમારીઓ અટકાવવા દર વર્ષે 4 માર્ચના રોજ વિશ્વમાં ઓબેસિટી દિવસ ઉજવવામાં આવે છે.

ઓબેસિટી એટલે શરીરનું વધુ પડતું વજન તે બાબત સહુ કોઈ જાણે છે.વર્ષ 1975 માં વિશ્વમાં મેદસ્વીતા હતી તેના કરતા અત્યારે ત્રણ ગણી અને બાળકોમાં પાંચ ગણી કરતા વધુ ઓબેસિટી જોવા મળે છે.

વર્ષ 2014 ની ગણતરી મુજબ વિશ્વમાં 60 કરોડથી વધારે લોકોમાં જાડાપણું હતું.આવતા દશ વર્ષમાં કદાચ 85 કરોડથી પણ વધારે લોકોમાં આ બીમારી જોવા મળશે તેવો ભય છે.

 

વજન વધવાથ બ્લડ પ્રેસર વધે ,ડાયાબિટીસ થાય ,સ્ટ્રોક ( પક્ષઘાત ) ,માનસિક બીમારી થાય તેમજ કિડની તથા હૃદયને શ્રમ વધવાથી તેની બીમારીઓ થાય છે.આ બીમારી ખુબ જ ખર્ચાળ અને જોખમી હોય છે.તેથી તેને શરૂઆતથી જ અટકાવવી જોઈએ. પરંતુ ઘણા લોકોમાં તેના વિષે બેદરકારી જોવા મળે છે.જે ખુબ જ દુઃખની વાત છે.

ડો.પ્રદીપ કણસાગરા સ્થાપક મેનેજીંગ ટ્રસ્ટી અને પૂર્વ ચેરમેનશ્રી ,બી.ટી.સવાણી કિડની હોસ્પિટલ ,રાજકોટના જણાવ્યા પ્રમાણે ડાયાલીસીસ કરાવતા દર્દીઓમાં ડાયાબીટીસ ,અને હાઇ બ્લડ પ્રેશરના કારણે આશરે 60 ટકા જેટલા દર્દીઓની કિડની ફેઈલ થતી હોય છે.આ હોસ્પિટલમાં વર્ષ 2004 માં 7500 ડાયાલીસીસ થયા હતા.જયારે વર્ષ 2020 માં 28000 ડાયાલીસીસ થયા ,જે દર્શાવે છે કે કિડનીની બીમારીનું પ્રમાણ સુનામીની જેમ ખતરનાક બની રહ્યું છે.તેથી આપણે ઓબેસિટી પ્રત્યે ખુબ સજાગ થવાની જરૂરિયાત છે. હું પોતે છેલ્લા બે વર્ષમાં 13 કિલો વજન ઘટાડી પ્રફુલ્લિતતા અનુભવી રહ્યો છું.વિવેકબુદ્ધિ પૂર્વકનો આહાર ,જરૂરી કસરત ,યોગ્ય ઊંઘ ,અને યોગ તનાવમુક્ત જીવન માટે જરૂરી છે.

 

દેશમાં સ્થૂળતા ઝડપથી વધી રહી છે.પુરુષો કરતા મહિલાઓમાં સ્થૂળતાનું પ્રમાણ વધુ છે.એક ચોંકાવનારા રિપોર્ટ અનુસાર શહેરી વિસ્તારમાં રહેતા 31.3 ટકા મહિલાઓ અને 26.3 ટકા પુરૂષોનું વજન જરૂર કરતા વધારે છે.કસરત અને ખાણીપીણીની લઈને મહિલાઓ જાગૃત નથી.ટીવી સિરિયલો જોવાથી અને એકધારું બેસી રહેવાથી ઓબેસિટી વધી શકે છે.
સ્વસ્થ જીવનશૈલી અપનાવવાને લઈને છેલ્લા એક દાયકા દરમિયાન યુવાનો અને મહિલાઓમાં જાગૃતિ વધી છે.

આપણે સહુ જાણીએ છીએ કે માનવ જીવન ઈશ્વરની અમૂલ્ય દેન છે.ઈશ્વરની આ ભેટ રૂપી આપણા શરીરને સાચવવું તે આપણી જવાબદારી છે.

માણસે વિજ્ઞાનની શોધથી દિન પ્રતિદિન ઘણી સગવડતાઓ મેળવી છે.પરંતુ તેનાથી જ આપણી લાઈફ સ્ટાઇલ સાવ બદલાઈ ગઈ છે.આપણે બેઠાડુ ,આળસુ,અને ઓવરવેઇટ થયા છીએ.

પરિણામ એ આવ્યું કે આપણે બ્લડ પ્રેસર ,ડાયાબિટીસ ,સ્ટ્રોક ( પક્ષઘાત ) ,માનસિક બીમારીનો શિકાર  બન્યા.  દેખાદેખી વધવાથી અને અનહદ અપેક્ષાઓથી તણાવ પણ વધ્યો , ખોરાક બદલાયો અને લાઈફ સ્ટાઇલ ડિસીસમાં કૂદકે ને ભૂસકે વધારો થયો છે.

આ વર્ષે વિશ્વમાં ઓબેસિટી દિવસનું સ્લોગન ,સૌને યોગ્ય સલાહ સૂચન સમજણથી મેદસ્વીતા અટકાવીએ અને સમયસર સારવાર કરીએ.ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૂત્ર ' સૌનો સાથ સૌનો વિકાસ ' ની જેમ સૌના સહકારથી મેદસ્વીતા અટકાવીએ અને સમયસર સારવાર કરી તંદુરસ્ત જીવન માણીએ 

 

વિશ્વમાં ઓબેસિટી દિવસે લોકોમાં જનજાગૃતિ કેળવવા,મેદસ્વીતા અટકાવવા ,યોગ્ય સારવાર અને  સંભાળ દરેકને મળે તેવા પ્રયત્નો કરવામાં આવે છે.અને મેદસ્વીતા મુક્ત સમાજની રચના કરવા  માટે પ્રયત્નો કરવામાં આવે છે.

(7:39 pm IST)